સંક્રમણ વકરે છે ત્યારે દુકાનો-વ્યાવસાયિક સ્થળો માટે નિયમ કડક કરો

ભુજ, તા. 24 : આરોગ્ય તંત્ર એકતરફ લોકોને કોરોના સામે જાગૃત રહેવા, માસ્ક પહેરવા, સેનિટાઇઝ કરવા, દો ગજ કી દૂરી રાખવાની સલાહોનો માધ્યમો સાથે મોબાઇલની કોલર ટયૂનોમાં મારો કરી રહ્યું છે ત્યારે બીજીબાજુ ખાટલે મોટી ખોડ જોવા મળે છે કે, કોઇ વ્યાવસાયી કોરોના પોઝિટિવ થાય તો તેના ઘરને માઇક્રો કન્ટેઈનમેન્ટ કરાય પણ વ્યાવસાયિક પ્રતિષ્ઠાનને ખુલ્લું છોડી દેવામાં આવે છે, જેથી સંક્રમણ વકરવાનો ભારોભાર ખતરો રહે છે. વેપારી પાસે જતા ગ્રાહકો મહામારીમાં સપડાય છે.ખાસ કરીને કોરોના ફરી માથું ઊંચકવા લાગ્યો છે ત્યારે વહીવટી તંત્ર સંક્રમિત વ્યક્તિ જ્યાં કાર્યશીલ હોય એ દુકાન, ધંધાકીય પ્રતિષ્ઠાન ત્રણ દિવસ બંધ કરાવવાનો નિયમ પાછો લાવે એ જરૂરી છે.કોરોના સંક્રમણને નાથવા માટે માત્ર કોઇ પોઝિટિવ દર્દીને ઘેર બેસાડી કે દવાખાને દાખલ કરી દેવાથી તે જે જગ્યાએ સંક્રમણનો ભોગ બન્યા હોય ત્યાં કોરોનાના વાયરસની સંભાવના હોય ખરી કે નહીં, અગાઉની જેમ સેનિટાઇઝેશન કરવું અગત્યનું ખરું કે નહીં એવી વાત જો સામાન્યને સમજાતી હોય ત્યારે તંત્રને ગળે ન ઊતરે તો કોરોનાના વર્તમાન વાયરસને કે આવી રહેલા નવા વાયરસના સામના માટે કેમ આગળ વધાશે એવો સવાલ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer