દહીંસરાના ચકચારી કિસ્સામાં બન્ને પક્ષના 10 સભ્યને જામીન અપાયા

કેરા (તા. ભુજ), તા. 24 : સગીરની છેડતી, નિર્લજ્જ હુમલો, એટ્રોસિટી, મારામારી સહિતની જુદી-જુદી કમલો તળે ધરપકડ કરાયા બાદ બન્ને પક્ષના પાંચ પાંચ આરોપીઓ જામીનમુક્ત કરાય હતા. ભુજ તાલુકાના દહીંસરા ગામે ચકચારી સામસામી ફરિયાદ તથા એટ્રોસિટી મદ્દે ગાજેલા મામલામાં બન્ને પક્ષના આરોપીઓને જામીન મળ્યા છે. પાંચમા અધિક ડિસ્ટ્રીક્ટ જજ અને એટ્રોસિટીના સ્પેશિયલ જજ રેહાના એ. નાગોરીએ આ હુકમ બુધવારે કર્યો હતો. આ મામલામાં એટ્રોસિટીના ફરિયાદીના વકીલ તરીકે આર.એસ. ગઢવી જ્યારે આરોપી પક્ષે જગદીશ બરાડિયા, રવજી ખેતાણી, રસીક વેલાણીએ પોતપોતાના પક્ષ રજૂ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એટ્રોસિટી મામલે કચ્છી લેવા પટેલ સમાજ ભુજે પણ આવેદનપત્ર આપ્યું હતું. દરમ્યાન જાગૃત સવર્ણોએ એટ્રોસિટી કાયદા અને તેની સામે લડવા સંદર્ભે જાગૃતિ સેમિનાર યોજવા લાગણી વ્યક્ત કરી હતી. - સુખપર ખૂનકેસમાં જામીન : ભુજ તાલુકાના સુખપર ગામે ગત સપ્ટેમ્બર મહિનામાં બનેલા હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી આનંદ જગદીશ સુથારને અદાલતે જામીન આપ્યા હતા. માનકૂવા પોલીસ મથકમાં આ ગુનો દાખલ થયા બાદ આરોપીની ધરપકડ કરાઇ હતી. જિલ્લા અદાલત સમક્ષ આ આરોપી માટે જામીન અરજી મુકાયા બાદ સુનાવણીના અંતે અધિક સેશન્સ જજે જામીન આપતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં આરોપીના વકીલ તરીકે એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, અમન એ. સમા, કે.આઇ. સમા, વી.કે. સાંધ અને એમ.આઇ. હિંગોરા રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer