મુંદરામાં બંધ મકાનનું તાળું તોડીને 21 હજારની માલમતા ચોરી જવાઇ

ભુજ, તા. 24 : મુંદરા નગરમાં બારોઇ રોડ ઉપર રહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની એવા અદાણી કંપનીમાં બોઇલર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કાંતિભાઇ જીવાભાઇ પરમારના બંધ મકાનનું તાળું તોડીને કોઇ હરામખોરો રૂા. 21 હજારની માલમતા તફડાવી ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વેડંચા ગામના મૂળવતની એવા કાંતિભાઇ પરમાર તેમના પરિવારના સભ્યો સાથે ઘરને તાળું મારીને ગત તા. 20મીના સવારે કૌટુંબિક કામસર વતનમાં ગયા હતા અને આજે સવારે પરત આવ્યા હતા. આ વચ્ચે તેમના બારોઇ રોડ ઉપર કૈલાશપાર્કમાં આઠ નંબરના પ્લોટ ઉપર આવેલું નિવાસ સ્થાન તસ્કરોનું નિશાન બન્યું હતું. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડયા બાદ અંદર ઘુસી શયનકક્ષમાં રહેલી તિજોરી ચાવી શોધી કાઢવા સાથે ખોલી રૂા. બાર હજારના સોનાચાંદીના દાગીના, રૂા. આઠ હજારની કિંમતની વસ્ત્રોની 10 જોડી અને ટાઇટન કંપનીનું ઘડિયાળ મળી કુલ્લ રૂા. 21 હજારની માલમતાનો હાથ માર્યો હતો. બનાવના પગલે મુંદરા પોલીસની ટુકડી સ્થાનિકે દોડી જઇને છાનબીનમાં પરોવાઇ હતી. તસ્કરોની ભાળ મેળવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer