કચ્છના દશેદશ તાલુકામાં ટીબીના દર્દીઓ

કિશોર ગોર દ્વારા-  ભુજ, તા. 24 : ટીબી પરાપૂર્વથી ગંભીર અને ચેપી રોગ મનાય છે. આયુર્વેદમાં તેનાથી શરીર ખલાસ થઇ જતું હોવાથી નામ `ક્ષય' રખાયું છે, એટલું જ નહીં તેને `રાજરોગ' તરીકે ગંભીરતાની ઉચ્ચ શ્રેણીમાં સ્થાન અપાયું છે. વર્તમાન એલોપેથી દવાઓ જળમૂળથી મટાડવા સક્ષમ છે ખરી પણ અધવચ્ચે સારવાર છોડી દેનારા માટે તે જીવલેણ બની શકે છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ વર્ષ 2025 સુધી ટીબી રોગને નાબૂદ કરવાનો લક્ષ્યાંક હોવાથી કોઇ વ્યક્તિને તાવ, ઉધરસ, ગળફાંમાંથી લોહી પડવું, વજન ઊતરવું, ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાનામાં તપાસ કરાવવી અને ટીબી હોય તો પૂરા સમય માટે પૂરતી સારવાર લેવાની આરોગ્યતંત્ર દ્વારા અપીલ કરાય છે. ટીબીના નિર્મૂલન હેતુ કચ્છમાં ગત ડિસે.થી જાન્યુઆરી માસ દરમ્યાન ટીમોએ સર્વે કામગીરી આરંભી હતી, જેમાં 6,10,465 લોકોને આવરી લેવાતાં તે પૈકી 1026 ટીબીના શંકાસ્પદ દર્દી જણાયા હતા. વધુ તપાસમાં 34 કેસ ટીબી સંક્રમિત હોવાથી આ દર્દીઓને ઘરે જ સારવાર અપાઇ રહી છે. શંકાસ્પદ દર્દીઓની તપાસ સીબી નેટ મશીન મારફતે કરાય છે અને ચેપી જણાયેલા દર્દીની ટુનેટ દ્વારા નિદાન કરાય છે. ટ્રુનેટ મશીનમાં એકસાથે ચાર દર્દીના સેમ્પલની, આવા રોજના ચાર પરીક્ષણ જ્યારે સીબી નેટ દ્વારા એક જ વ્યક્તિના સેમ્પલનું પરીક્ષણ થાય જે દિવસમાં ચાર જ થઇ શકે છે. સરકાર દ્વારા આ તપાસ વિનામૂલ્યે કરાય છે તેની સુવિધા ભુજમાં જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે, ગાંધીધામમાં રામબાગ હોસ્પિટલ, માંડવીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ઉપરાંત નખત્રાણા અને રાપરના સા.આ. કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે. ટીબીના દર્દીના આ ટેસ્ટ ખાનગીમાં રૂા. બે હજારમાં થાય છે તેથી સરકારે ખાનગી હોસ્પિટલોને તેમને ત્યાં સારવાર લેતા દર્દીના પરીક્ષણ સરકારી રાહે મફત કરાવવા અનુરોધ કરાયો હતો. જિલ્લામાં ગત સર્વે ખાસ કરીને વધુ જોખમવાળા વિસ્તારો, પરપ્રાંતીયોની વસાહતો, ઔદ્યોગિક વિસ્તારમાં કરાયો હતો, જે દર્દીની ટીબીની દવા ચાલુ છે તેમને પહેલેથી જ આરોગ્ય શિક્ષણ?આપેલું જ હોવાથી માસ્ક-રૂમાલ અપાયા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નિરીક્ષણ હેઠળ જિલ્લા ક્ષય અધિકારી દ્વારા ટીમ મારફતે સર્વે કરાવાયો હતો. સારવાર હેઠળ રાખવામાં આવતા 90 ટકા દર્દી ટીબીમુક્ત થઇ જતા હોય છે. કેટલાક રેઝિસ્ટન્ટ થઇ?જાય છે તો બે ટકા જેટલા દર્દીઓના મોત નીપજે છે.સારવારનો સમયગાળો જોઇએ તો સાદા ટીબીમાં છથી નવ મહિનાનો જ્યારે ગંભીર એમડીઆર (મલ્ટિ ડ્રગ રેઝિસ્ટન્ટ) ટીબી થઇ?જાય તો 18થી 24 મહિનાની સારવાર અપાય છે. - દર મહિને રૂા. 500ની સહાય : ટીબીના દર્દી જ્યાં સુધી સારવાર ઉપર હોય ત્યાં સુધી તેને સારું ખાવાનું મળી રહે તે માટે દર માસે રૂા. 500 તેના ખાતામાં જમા થાય છે. - ટીબીના દર્દીની પ્રથમ જાણકર્તાને ઇનામ : જો કોઇ વ્યક્તિ તેની આસપાસ ટીબીનો દર્દી હોય તેની પહેલીવાર સરકારી દવાખાનામાં જાણ કરે તો તેને જાણ કરવા બદલ રૂા. 500 બક્ષિસ અપાય છે.ખાનગી તબીબ દ્વારા પણ સરકારી દવાખાનાને દર્દીને ટીબી હોવાની જાણકારી અપાય તો જાણ કરવાના રૂા. 500 અને સારવાર પૂર્ણ થાય ત્યારે બીજા રૂા. 500 ખાનગી તબીબને અપાય છે. ટીબીના દર્દી એક માસ માટે પણ નિયમિત સારવાર લે તો બીજાને ચેપ ફેલાવતા અટકી જાય, પણ અધૂરી દવા લે તો ટીબી ખતરનાક-મલ્ટિ ડ્રગ રેઝિસ્ટન્ટમાં ફેરવાઇ?શકે. તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થવું પડે, જ્યાં સારવાર બધી મફત થાય છે. ખતરનાક ટીબીવાળા દર્દીથી ઘરના અને આસપાસના લોકો પણ સંક્રમિત થઇ શકે છે. વાળ અને નખ સિવાય ગમે ત્યાં ટીબી થઇ શકે ટીબીના વિષાણુ મુખ્યત્વે ફેફસાંમાં હોય છે, પણ કેટલાક કિસ્સામાં તે શરીરના વાળ અને નખ સિવાયના ગમે તે ભાગે વિસ્તરી શકે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમના મગજમાં પણ પહોંચી શકે છે. એચઆઇવીવાળામાં ટીબીનો ચેપ લાગવાની અને ઝડપથી ફેલાવાની શક્યતા વધારે ખરી પણ નિયમિત અને પૂરતી સારવારથી ટીબી મટી શકે છે. - બાળકો પણ સંક્રમિત થઇ શકે : ટીબી કુલ દર્દીઓના 5થી 7 ટકા બાળકોમાં પણ જોવા મળ્યો છે. કુપોષિત બાળકોમાં ટીબી જેવા ચેપી રોગ થવાની શક્યતા વધી જાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer