કોરોનાના કેસો સામે સાવધાની રાખવી જરૂરી
ભુજ, તા. 24 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર કરતા તબીબોએ કોરોનાના વધી રહેલા કેસો સામે વેળાસર સાવચેતી અંગે તંત્ર દ્વારા જે ચુસ્ત નિયમો બનાવાયા છે એ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરવા આવશ્યક છે તેવું જણાવી કહ્યું કે, અન્યથા ફરી એકવખત કોરોના મોઢું ફાડી શકે છે તેવો ભય વ્યક્ત કરાયો છે. મેડિસિન વિભાગના હેડ ડો. બાબુલાલ બંબોરિયા અને આસી પ્રો. ડો. યેશા ચૌહાણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં અચાનક આવેલા ઉછાળાથી સ્વાભાવિકપણે કચ્છમાં પણ ચિંતાનો માહોલ ઊભો થાય. ગયા વર્ષની તર્જ પર નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. કચ્છમાં અગાઉ છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ઘટેલા કેસોને કારણે નિયમોમાં લોકો સુસ્તી બતાવી રહ્યા છે જે ભારે પડી શકે છે. મેડિસિન વિભાગના જ અને કોલેજમાં આસિ. પ્રો. ડો. દીપક બલદાનિયાએ જણાવ્યુ હતું કે, કોરોના વાયરસ સામે લડવામાં સૌથી અસરકારક પગલું અત્યાર સુધી એ રહ્યું છે કે, શરૂઆતથી જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરીને તેને આઇસોલેટ કરી દેવી જેથી ચેપ ન ફેલાય અર્થાત દરેક માનવીએ સલામત અંતરના નિયમોને હજુ પણ ભૂલવા જેવા નથી. બીજા અસરકારક પગલાં વિશે કોરોનાની સારવાર કરતા ડો. ચંદન ચુડાસમાએ ઉમેર્યું કે, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. એકની લાપરવાહી બીજા માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે તેમ કહી એનેસ્થેટિક વિભાગના ડો. રામનંદન પ્રસાદે જણાવ્યું હતું કે, શક્ય છે કે કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિ પર તેની અસર ઓછી હોય પરંતુ આસપાસની વયસ્ક કે પછી ડાયાબિટીસ કે હૃદયરોગની બિમારી હોય એવા લોકોને ચેપ નુકસાન કરી શકે છે એટલે જ તેમના મતે માસ્ક પહેરવું બહુ જ જરૂરી છે. કોરોનાની સારવાર કરતા અને રિપ્રેટરી (શ્વાસોચ્છવાસ) વિભાગના ડો. કલ્પેશ પટેલે જણાવ્યું કે, લોકો ભીડવાળી જગ્યાએ પણ માસ્ક પહેરવાનું ઓછું કરી નાખ્યું છે. ત્યારે દરેક નાગરિકે જવાબદાર બનીને વિચારવું જોઈએ.