ચૂંટણીના બીજા દિવસે પ્રા.શિક્ષકોની ફરજ ગણવા માંગ

ભુજ, તા. 24 : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ચૂંટણીના બીજા દિવસે `ફરજ પર ગણવા' રાજ્ય અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળ દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારીને ગાંધીનગર ખાતે પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આગામી તારીખ 21 અને 28 ફેબ્રુઆરીના ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં સરકારી શાળાઓના શિક્ષક કર્મચારીઓ માસ્ટર ટેનર્સ, સિલિંગ સ્ટાફ, પ્રિ. ઓફિસર, આસિ. પ્રિ.ઓ., સેક્શન ઓફિસર વગેરે જેવી ફરજો બજાવવા માટે નિમણૂક થયેલી છે. ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફના શિક્ષક કર્મચારીઓ બે-ત્રણ દિવસ અગાઉથી ચૂંટણીની ફરજમાં હોઈ તથા ચૂંટણીના દિવસે ચૂંટણીની સામગ્રી રિસિવંગ સેન્ટર પર જમા કરાવી રાત્રે ખૂબ મોડા છૂટી ઘરે મોડા કે બીજા દિવસે પહોંચશે. ચૂંટણીની વ્યસ્ત કામગીરીથી શારીરિક અને માનસિક થાક અનુભવશે. તેથી ચૂંટણી ફરજના બીજા દિવસે આરામ મળી રહે તે માટે ચૂંટણી ફરજમાં રોકાયેલ શિક્ષકોને ચૂંટણી ફરજના બીજા દિવસે શાળામાં ફરજ પર આવવામાંથી મુક્તિ આપી ફરજ પર ઓન ડયુટી ગણવા રજૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રજૂઆતને કચ્છ જિલ્લાના શિક્ષકો વતી રાજ્ય ઉપાધ્યક્ષ ખેતશી ગજરા, જિલ્લા અધ્યક્ષ કિશોરસિંહ ચૂડાસમા, જિલ્લા કા. અધ્યક્ષ રામસંગજી જાડેજા, મંત્રી રમેશભાઈ ગાગલ અને સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયાએ આવકારી હતી, તેવું પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયાની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer