ભારાપર ખાતે રખડતા-ભટકતા ગૌવંશ પશુઓ માટે થશે પાંજરાપોળનું નિર્માણ

ભુજ, તા. 24 : કચ્છ જિલ્લામાં અને ખાસ કરીને ભુજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 22 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા અજરામર ટ્રસ્ટ-ભુજ દ્વારા રખડતા-ભટકતા અને નધણિયાતા ગૌવંશના નિભાવ અને બચાવ અર્થે પાંજરાપોળ/ગૌશાળા નિર્માણ કરવાનું આયોજન સમાજના દાતાઓના આર્થિક સહયોગથી કરવામાં આવી રહ્યું છે.કચ્છના જે ગામોમાં મહાજનો અને શ્રેષ્ઠીઓ વસે છે તે ગામોમાં ગૌશાળા અને પાંજરાપોળની સુચારુ વ્યવસ્થાઓ છે, પરંતુ જ્યાં જૈનો-મહાજનોની વસતી નથી ત્યાં આવા ગૌમંદિર નિર્માણની અતિ આવશ્યકતા હોય તેને ધ્યાને લઇ ભુજ તાલુકાના ભારાપર ગામે (વડઝર-પત્રી રોડ) પર ગૌવંશ નિભાવ અર્થે પાંજરાપોળ નિર્માણ કરવાનું આયોજન સંસ્થાના ચેરમેન અને ટ્રસ્ટી પ્રેમજીભાઇ રવજી ગડા (મનફરા/જોગેશ્વરી)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિમાં ઘણા નધણિયાતા ગૌવંશ અને પશુધન રસ્તે રઝળી કચરો અને પ્લાસ્ટિક ખાતા નજરે પડે છે, જેમાં ઘણીવાર આ ગૌવંશ મોતને પણ ભેટે છે જે જીવદયાપ્રેમીઓ માટે પીડાજનક હોય છે. આવા નિ:સહાય અને નબળા ગૌવંશને નિભાવવાનું અભિયાન આ સંસ્થાના માધ્યમથી અને દરેક સમાજના સુખી સંપન્ન જીવદયાપ્રેમી દાતાઓના સહયાગથી હાથ ધરવામાં આવ્યું છે. આ ગૌવંશ નિભાવ અને સંકુલ નિર્માણ અર્થે આપવામાં આવતા દાનને ઇન્કમટેક્સ 80-જી હેઠળ કરમુક્તિ મળેલી છે. વધુ વિગત અને જાણકારી માટે મોબાઇલ નં. 98257 77464 પર સંપર્ક કરવા જણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer