પોંડિચેરીમાં પતન; દક્ષિણમાં કોંગ્રેસ ખતમ
આનંદ કે. વ્યાસ તરફથી નવી દિલ્હી, તા. 22 : દક્ષિણ ભારતીય રાજ્ય પોંડિચેરીમાં છેલ્લા ઘણા દિવસથી જારી રાજકીય સંકટ સોમવારે કોંગ્રેસ સરકારના પતન સાથે ખતમ થઈ ગયું છે. પોંડીચેરીમાં સરકાર પડી જતાંની સાથે જ કોંગ્રેસે આખાં દક્ષિણ ભારતમાં સત્તારૂપે વર્ચસ્વ ગુમાવી દીધું છે. ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. આજે વિશ્વાસ મત પરીક્ષણ થવાનું હતું, પરંતુ તે પહેલાં જ મુખ્યમંત્રી નારાયણ સામી સહિત કોંગ્રેસ, દ્રમુક ધારાસભ્યો વોકઆઉટ કરી ગયા હતા. ત્યારબાદ, વિધાનસભા સ્પીકરે એલાન કર્યું હતું કે, નારાયણ સામી સરકારે બહુમત ખોઈ દીધો છે. નારાયણ સામીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું પણ આપી દીધું છે. પોંડિચેરીમાં પતન થતાં કોંગ્રેસ કર્ણાટક બાદ બીજું રાજ્ય ખોઈને આજે દક્ષિણ ભારતમાં સત્તાથી બહાર થઈ ચૂકી છે. પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ એ પાંચ રાજ્યો પૂરતી સમેટાઈને કોંગ્રેસ પાસે આખા દેશમાં ક્યાંય સત્તા રહી નથી. એક સમયમાં વટવૃક્ષની જેમ આખા દેશમાં ફેલાયેલા કોંગ્રેસ પક્ષની વર્તમાન હાલત માટે રાજકીય પંડિતો કમજોર પડતાં સંગઠન અને સમર્પિત કાર્યકરોની અછતને જવાબદાર ગણાવે છે. કોંગ્રેસમાં આંતરકલહ અને રાષ્ટ્રીય સ્તર પર નેતૃત્વ મુદ્દે અસંતોષ હવે જાહેર થઈ ચૂક્યો છે. પક્ષની અંદર બે જૂથ પડી ગયાં છે.મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તા મળી હતી, પરંતુ કોંગ્રેસની સરકાર 15 મહિના પણ ટકી શકી. કોંગ્રેસ પાસે હવે માત્ર?પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ એ ત્રણ રાજ્યમાં જ સત્તા બચી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડની સરકારોમાં કોંગ્રેસની નામપૂરતી હાજરી છે. પોંડીચેરીમાં પણ કોંગ્રેસે સત્તા ખોઇ દેતાં ભાજપ તરફથી રાહુલ ગાંધી પર પ્રહાર કરાતાં અમિત માલવિયાએ કહ્યું હતું કે, એ રાહુલના પ્રભાવનું જ પરિણામ છે કે તેઓ પોંડીચેરી ગયા અને કોંગ્રેસ સરકારનું પતન થયું.