પં. બંગાળમાં `આસોલ પોરિવર્તન''નો મોદી હુંકાર

હુગલી, તા.22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ.બંગાળમાં હુગલીમાં એક જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે અહીં મોજુદ ભીડની ઊર્જા અને જોશ કોલકાતાથી દિલ્હી સુધી સંદેશ આપવાનું કામ કરી રહ્યાં છે. મોદીએ કહ્યું હતું કે બંગાળે પરિવર્તન માટે મન બનાવી લીધું છે. તેમણે મમતા સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તૃણમૂલ સરકારને કારણે રાજ્યના લોકોને કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહ્યો નથી. આ યોજના હેઠળ ગરીબ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીનો ઈલાજ મફત છે. રાજ્યમાં ભાજપની સરકાર બનાવવાનો અનુરોધ કરતાં પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર માત્ર રાજકીય પરિવર્તન માટે જ નહીં, અસલ પરિવર્તન માટે જોઈએ. પીએમે કહ્યું કે રાજ્યમાં કમળ એ `આસોલ પોરિવર્તન' લાવવાનું કામ કરશે, જે બંગાળનો યુવા વર્ગ ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આજે જ્યાં રેલી કરી હતી તે જ સ્થળે બે દિવસ બાદ સીએમ મમતા બેનરજી પણ રેલી કરશે. વડાપ્રધાને મમતા બેનરજી પર તુષ્ટીકરણની રાજનીતિ કરવાનો આરોપ મૂકયો હતો અને કહ્યું કે, આ જ રાજનીતિ બંગાળનાં લોકોને દૂર્ગાપૂજા કરવાથી રોકે છે. પોતાની જ સંસ્કૃતિનું અપમાન કરવાવાળાને બંગાળનાં લોકો કયારેય માફ નહીં કરે. વડાપ્રધાને કહ્યું કે, બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ દરેક પોતાની સંસ્કૃતિનું ગૌરવગાન કરી શકશે. પશ્ચિમ બંગાળમાં જેટલી પણ સરકાર રહી, તેમણે ઐતિહાસિક ક્ષેત્રને પોતાનાં હાલ પર છોડી દીધું છે અને અહીંની ધરોહરને બેહાલ થવા દીધી. વંદેમાતરમ ભવન જ્યાં બંકિમચંદ્રજી પાંચ વર્ષ રહ્યા, કહેવાય છે કે, તે બહુ ખરાબ સ્થિતિમાં છે. આ બંગાળનાં ગૌરવ સાથે મોટો અન્યાય છે. મોદીએ કહ્યું કે, આ અન્યાયની પાછળ બહુ મોટું રાજકારણ છે, અને આ એ રાજનીતિ છે, જે દેશભક્તિને બદલે વોટબેંક, સબ કા વિકાસના બદલે તુષ્ટીકરણને બળ દે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer