મહાનગરોમાં પરિવર્તન કે પુનરાવર્તન ?

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : કોરોના મહામારી વચ્ચે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર મળીને કુલ 6 મહાનગર માટે રવિવારે મતદાન યોજાયું હતું. ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે આજે જાહેર કરાયેલા 6 મહાનગરપાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન થયું છે. જે 2015માં યોજાયેલી ચૂંટણીઓ કરતા 0.17 ટકા ઓછું છે જ્યારે 2010 કરતા 1.95 ટકા વધુ છે. કુલ 575 બેઠકની ચૂંટણીમાં 2276 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. જેનું પરિણામ આવતીકાલે તા.23 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ જાહેર થશે. આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ અને ઓવૈસીની એઆઇએમઆઇએમ પાર્ટી સહિત અન્ય પક્ષો અને અપક્ષો હોવાથી મતોનુ ધ્રુવીકરણ થવાની પૂરી સંભાવનાને લઇને પરિણામો આશ્ચર્યજનક આવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. છ મહાનગરપાલિકા પૈકી અમદાવાદમાં 1 બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થતા, રવિવારે 575 બેઠક ઉપર મતદાન યોજાયું હતું. 2015ની જેમ આ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન જામનગર શહેરમાં નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેરમાં નોંધાયું છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી આખરી મતોના આંક પ્રમાણે અમદાવાદમાં 42.51 ટકા થયું છે, જે 2015 કરતાં 4 ટકા ઓછું મતદાન છે. રાજકોટમાં 50.75 ટકા મતદાન થયું છે, જે 2015 કરતાં 0.71 ટકા વધુ છે વડોદરામાં 47.99 ટકા મતદાન થયું હતું જે 2015 કરતા 0.72 ટકા ઓછું છે. સુરતમાં 45.51 ટકા મતદાન થયું હતું જે 2015 કરતા 5.52 ટકા વધુ છે. જામનગરમાં 53.64 ટકા મતદાન થયું છે જે 2015 કરતા 3.13 ટકા ઓછું છે. જ્યારે ભાવનગરમાં 49.47 ટકા મતદાન થયું હતું જે 2015 કરતા 1.68 ટકા વધુ છે. આમ 2021માં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં 5.52 ટકા, રાજકોટમાં 0.71 ટકા અને ભાવનગરમાં 1.68 ટકા મતદાન વધુ થવા પામ્યું છે. જ્યારે અમદાવાદમાં 4 ટકા, વડોદરામાં 0.72 ટકા અને જામનગરમાં 3.13 ટકા મતદાન 2015 કરતા ઓછું થયું છે. નોંધનીય બાબત એ છે કે, અમદાવાદમાં છેલ્લા 15 વર્ષથી જ્યારે બાકીની 5 મહાનગરપાલિકામાં 20 વર્ષથી ભાજપ સત્તાસ્થાને રહ્યો છે. સતત 15 વર્ષથી અમદાવાદમાં ધૂરા સંભાળનાર ભાજપને આ વખતે માત્ર 42.51 ટકા મતદાન થતાં ભાજપના નેતાઓનો શ્વાસ અધ્ધર થઇ જવા પામ્યો છે. ભાજપના નેતાઓએ રવિવારે મતદાતાઓને મતદાન મથક સુધી લાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે, સમગ્ર 6 મહાનગરોના મતદાનમાં મહિલાઓએ નિરાશાજનક મતદાન કર્યું હતું. કોરોના મહામારી, મુદ્દા વિનાની ચૂંટણી, વહીવટી તંત્રની અવ્યવસ્થા અને નવા ચહેરાઓને કારણે આ વખતે ચૂંટણીમાં ટેમ્પો જામ્યો ન હતો. એવી પણ ચર્ચા થઇ રહી છે કે, મોંઘવારી, પેટ્રોલ અને માસ્ક પેનલ્ટીના નામે ત્રાસેલા મતદારોએ પણ મત નહીં નાખી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer