ભાજપના વિકાસના નારા સામે કોંગ્રેસના ભ્રષ્ટાચારનાં તીર

ભાજપના વિકાસના નારા સામે કોંગ્રેસના ભ્રષ્ટાચારનાં તીર
કૌશલ પાંધી દ્વારા ભુજ, તા. 22 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે સમગ્ર કચ્છમાં ધમધમાટ ફેલાયો છે. ચૂંટણી જંગમાં ઝૂકાવનારા ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો લોકના દ્વાર ખટખટાવી આગામી દિવસોમાં ભુજ શહેરના વિકાસ અને શહેરીજનોની સુખાકારીનાં વચનો સાથે હાથ જોડી મત માગી વિજય અપાવવા અપીલ કરી રહ્યા છે. ચૂંટણી પહેલાં જ વોર્ડ નં. 9ના ઉમેદવારો બિનહરીફ થતાં ભાજપે વિજયના શ્રીગણેશ કરતાં પક્ષમાં આનંદ સાથે કાર્યકર્તાઓમાં પણ જોશ આવી ગયો છે. ગત ટર્મમાં નો રિપીટની થીયરી બાદ ભાજપમાં આ વખતે આઠ પૂર્વ નગરસેવકોને રિપીટ કરવા સાથે અમુક જૂના અને જાણીતા ચહેરાને પણ મેદાનમાં ઉતાર્યા છે. સાથોસાથ નવા ચહેરાઓને પણ તક આપી જૂની ભૂલ સુધારવા પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસે પણ છ પૂર્વ નગરસેવકને જાળવી રાખી ભુજવાસીઓ સામે નવા ચહેરા ધર્યા છે. જો કે, શરૂઆતે જ કોંગ્રેસને નવમા વોર્ડ રૂપી માર ખમવી પડી છે. તો, 11મા વોર્ડમાં પણ મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું. તો, વિપક્ષી નેતા તથા અન્ય 24-25 વર્ષથી જીતતા નગરસેવક આ વખતે જંગમાં સામેલ ન હોવાથી બે સ્યોર સીટ પર કોંગ્રેસે મહેનત કરવી પડશે. 38 બેઠકો પર કોંગ્રેસે પ્રયાસો તેજ કરી લોકોને વિવિધ સુવિધા આપવાનો કોલ આપી ઉમેદવારો મત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી તરફથી પણ 25 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ એમાંથી બે ઉમેદવારોએ કમળના ફૂલને થામી લીધું હોવાની વાત વહેતી થઈ હતી, જેથી હવે 23 જેટલા લડવૈયા ચૂંટણી મેદાનમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય સમાજવાદી પાર્ટીના ચાર અને અપક્ષ ચાર ઉમેદવાર પણ ચૂંટણી જંગ લડી રહ્યા છે. ચૂંટણીના આટાપાટાના રસિયાઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 11 વોર્ડમાં 1,2,3 વોર્ડમાં આ વખતે કોંગ્રેસની બેઠક ઘટવાની તેમજ વોર્ડ 8 અને 10માં ભારે રસાકસીની શક્યતા વ્યકત કરી રહ્યા છે. 1.33 લાખ મતદારો પર મદાર વિધાનસભા મતદાર યાદી 2021 મુજબ ભુજના 11 વોર્ડના 44 ઉમેદવારોનું ભાવિ 1,33,331 મતદારો નક્કી કરશે. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો સૌથી વધુ બૂથ વોર્ડ-1માં જ્યારે ઓછા વોર્ડ-9માં, સૌથી વધુ મતદારો વોર્ડ નં. 1માં છે જ્યારે સૌથી ઓછા વોર્ડ નં. 7માં, પુરુષ મતદારોની સંખ્યા વોર્ડ-1માં અને ઓછી સંખ્યા વોર્ડ-7માં જ્યારે મહિલા મતદારો સૌથી વધુ વોર્ડ-1માં અને સૌથી ઓછા વોર્ડ-7માં છે. સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નં. 1માં ભુજના 11 વોર્ડમાં સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નં. 1માં ઊભા છે. અહીં 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ વોર્ડને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે અહીં મત વિભાજીત થતાં કોંગ્રેસ માટે મુશ્કેલ પરિસ્થિતિ નિર્માણ થશે. જ્યારે વોર્ડ નં. 7 અને 11માં સૌથી ઓછા ઉમેદવારો ઊભા છે. સીમાંકનના આટાપાટા સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના નવાં સીમાંકનમાં વોર્ડ નં. 1ના અંદાજે 375 જેટલા મત વોર્ડ-6માં લઈ જવાયા છે. જેમાં કોડકી રોડ, સેવન સ્કાય રોડ, સરપટ નાકાં, એરપોર્ટ રોડ, સોનીવાડ સુધી, ડાંડા બજાર અડધો વિસ્તાર, અનમ રિંગ રોડનો સમાવેશ થાય છે. વોર્ડ-2ની વાત કરીએ, તો સરપટ નાકાંથી ભીડ સુધી અને ત્યાંથી વચ્ચેના વિસ્તારો વોર્ડ-3માં અને ફરી સુરલભિટ્ટ ચાર રસ્તાથી આગળ વોર્ડ-2માં સમાવાતાં આશ્ચર્ય ફેલાયું છે. વોર્ડ-3 જેમાં ચારણવાસ, વાલ્મીકિવાસ વિ. વિસ્તારના 1400 મતદાર વોર્ડ-4માં લઈ જવાયા. વોર્ડ-4માં જેષ્ઠાનગર, વાઘેશ્વરી ચોક, ભાનુશાલી ફળિયું, ગણેશ ચોક, કેમ્પ રોડના 2800 જેટલા મતદારોને વોર્ડ-10માં લેવાયા. જેનો વાંધો ઉઠાવાતાં 1600 મતદારો ફરી મૂળ સ્થિતિમાં રખાયા. વોર્ડ-5માંથી 650 મતદારો વોર્ડ-6માં સમાવાયા. નજીકના 50 મતદારોનો એક બ્લોક અને 20 બ્લોકનું એક બૂથ બને, પરંતુ કેમ્પ મસ્જિદવાળી શેરીથી દોઢ કિ.મી. દૂર ભાવેશ્વરનગરનો પટ્ટો જેનો બ્લોક બનાવાયો. વિકાસનું ભાથું ભાજપનું હથિયાર આ વખતે ભાજપનો પ્રચાર એજન્ડા શું છે તેવા સવાલમાં 11 વોર્ડના આયોજનની જેમના શિરે જવાબદારી છે તેવા ચૂંટણી ઇન્ચાર્જ બાપાલાલભાઇ જાડેજા, નરેન્દ્રભાઇ ઠક્કર તથા શહેર પ્રમુખ શીતલ શાહે જણાવ્યું કે, ગત વર્ષોમાં ભુજના વિકાસ કામોનાં ભાથાં સાથે લોકોનો મત મગાઇ રહ્યો છે અને ઉમેદવારોને ઠેર-ઠેર બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની પ્રાથમિકતા શું હશે તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે, લોકોને સતાવતી ગટર, પાણી, રસ્તા અને સફાઇની સમસ્યા ઉકેલવાને પ્રાથમિકતા અપાશે. ચૂંટણીના દિવસોમાં એકાંતરે જ્યારે બાકીના વર્ષોમાં ક્યાંક આઠ-આઠ દિવસે પાણી અપાય છે તે વિશે શું કહેશો તેના ઉત્તરમાં કહ્યું કે, પાણીની વિતરણ વ્યવસ્થા સુધારાશે. વધુમાં ભૂતકાળ કરતાં અત્યારે લોકો દ્વારા પાણી સંગ્રહ માટેની ક્ષમતા વધારાઇ છે. વર્ષો પહેલાં માત્ર રેલડીથી શુદ્ધ પાણી વિતરણ કરાતું. પરંતુ હવે શહેરને ફરતે મોટા ટાંકા બનાવી તેના પર મીટર લગાવાશે, જેથી આંકડાની માયાજાળ ઉકેલાશે સાથે વિતરણ વ્યવસ્થા સુધારવા પ્રયાસ કરાશે. બોર ઊંડા ગયા છે અને હવે માત્ર નર્મદાના નીર પર જ મદાર છે. ગટર માટે આખું ભુજ ખોદાઇ ગયું છે, કરોડો ખર્ચાયા છે પણ સમસ્યા યથાવત છે તેવું પૂછતાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ડિસીલ્ટ મશીન વસાવાશે. સમસ્યા ઉકેલની માત્ર નગરસેવકની જ નહીં, પણ સુધરાઇના મુખ્ય અધિકારી, કર્મચારીની પણ એટલી જ જવાબદારી છે અને આગામી દિવસોમાં પક્ષ દ્વારા તમામ બાબતો પર દેખરેખ રખાશે. હમીરસર બ્યૂટિફિકેશન, વોક વેની જર્જરિતતા, સુધરાઇની નવી કચેરી સહિત અધૂરા પ્રોજેકટ ક્યારે પૂરા થશે તેવા સવાલ સામે કહ્યું કે, બાકી રહેતા તમામ કામોનું સંકલન કરી ઉકેલ લવાશે. સુધરાઇ કચેરી શહેર વચ્ચે બને તો લોકોને રાહત રહે, જેથી તેવા પ્રયત્નો કરાઇ રહ્યા છે. વાર્ષિક 122 કરોડનું બજેટ છતાં સમસ્યાઓના ઢગલા કેમ તેનો ઉત્તર વાળતાં જણાવ્યું કે, એમાંથી 25થી 30 ટકા તો મેઈન્ટેનન્સમાં જાય છે. સુધરાઇના સ્વભંડોળની હાલત સારી નથી જેથી એમ.પી, એમ.એલ.એ.ની ગ્રાન્ટમાંથી અનેક કામો કરાવાતાં હોય છે. સફાઇ મુદ્દે કોમ્પેકટ મશીન વસાવાશે, જેની કચરો સમાવવાની ક્ષમતા વધારે હશે જેથી સફાઇ પાછળનો ખર્ચ ઘટી જશે. હાલમાં ટ્રેકટરોથી કચરો ડમ્પીંગ સ્ટેશન સુધી પહોંચાડાય છે જેથી તમામ કચરો નથી ઉપડતો અને માર્ગ પર પણ ઢોળાય છે. અમુક ચૂંટાયેલા નગરસેવકો લોકો-શહેરના વિકાસને બદલે સ્વવિકાસ કરી બે પાંદડે થતા હોવાના આક્ષેપો ઊઠતા રહે છે તેવો સવાલ પૂછતાં જણાવ્યું કે, દરેકે પોતાની નૈતિક જવાબદારી સમજવી જોઇએ. તાજેતરમાં જ વોર્ડ નં. 9 બિનહરીફ થવા પાછળ કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપો ઊઠાવાયા હતા તે અંગે શું કહેશો તેવા પ્રશ્નનો ઉત્તર વાળતાં કહ્યું કે, 1985થી આ વોર્ડના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને ઇતિહાસમાં કોંગ્રેસ ડીપોઝિટ પણ બચાવી નથી શક્યો. ભાજપમાં જૂથબંધીના પ્રશ્ને કહ્યું કે, નાના-નાના મનદુ:ખ તો બધી જગ્યાએ હોય જ છે, પણ ભાજપના કાર્યકરથી માંડીને હોદ્દેદારો એકજૂટ થઇ લડશે અને કોંગ્રેસની બેઠકો ઓછી કરાશે પણ વધવા તો નહીં જ દેવાય તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ભાજપે કામ કર્યું છે, એટલા માટે જ વારંવાર લોકો પક્ષના ઉમેદવારોને મત આપી વિજયી બનાવે છે. શહેરના પ્રશ્નો કદાચ તત્સમયે ન ઉકેલાયા હોય, પરંતુ સમસ્યા હલ ચોક્કસ થાય છે તેવું મીડિયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરે જણાવી ઉમેર્યું કે, આ વખતે તમામ સમાજ, વર્ગ જોઈને ઉમેદવારો નક્કી કરાયા છે. જેમાં નવા-જૂનાના મિશ્રણ સાથે વેપારી, શિક્ષિતો, એન્જિનીયર, તબીબ વિ.ને સમાવાયા છે, તેવું લાલન કોલેજથી લાલ કિલ્લાનું સૂત્ર આપનારા શ્રી ઠક્કરે ઉમેર્યું હતું. સમસ્યાઓથી ત્રસ્ત ભુજવાસીઓ પરિવર્તન ઈચ્છે છે 30 વર્ષથી ભુજ નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટથી લોકો ત્રાસ્યા છે. સત્તા પક્ષના નગરસેવકો ભ્રષ્ટ હોતાં વારંવાર બદલવા પડતા તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ રવીન્દ્ર ત્રવાડીએ જણાવી ઉમેર્યું કે, લોકોએ વિશ્વાસનાં નામે મત આપ્યા હતા, પણ ચૂંટાયા પછી ફોન પણ નથી ઉપાડતા. કચરો, ગટર, પાણી સહિતની સમસ્યાએ શહેરને ઘેરો ઘાલ્યો છે, જેથી લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. 30 વર્ષથી ભ્રષ્ટાચારનો આક્ષેપ, છતાં કોંગ્રેસ કેમ નહીં તેવા સવાલના ઉત્તરમાં જણાવ્યું કે, સરકાર, વહીવટ, દબાણ એને સત્તાનો દુરુપયોગ કરી સત્તાપક્ષ ચૂંટણી જીતવામાં સફળ થાય છે. પણ આ વખતે ડોર-ટુ-ડોર પ્રચારમાં ભાજપ પ્રત્યે લોકોનો ભારે આક્રોશ છે. નવા ચહેરા તો કોંગ્રેસે પણ સમાવ્યા છે, તે અંગે શું કહેશો તો કહ્યું કે, વિપક્ષે દરેક વખતે પોતાની ભૂમિકા દૃઢપણે ભજવી લોકોનો અવાજ મજબૂત રીતે મુક્યો હતો. કોંગ્રેસે સામે પૂરે તરવાનું છે. લોકતંત્ર-લોકશાહીને જીવિત રાખવી હશે, તો લોકોએ જ સબક શીખવાડવો પડશે. જીતેલા ઉમેદવારની કામગીરી કેવી હશે ? તે અંગે કહ્યું કે, દરેક વોર્ડમાં ઓફિસ કાર્યરત કરાશે, અલગ-અલગ સ્થળે ઉમેદવારના નામ-ફોન નંબર લગાવાશે, જેથી લોકો સીધો સંપર્ક કરી શકે. સામાજિક આગેવાનોની વોર્ડ કમિટી બનાવી લોક સમસ્યા ઉકેલવા પ્રયત્નો કરાશે. આ ઉપરાંત, વાઈફાઈ ઝોન, યુવાનો માટે રમત-ગમતનું મેદાન, સ્વાસ્થ્ય માટે જિમ વિ. સુવિધા અપાશે. શ્રી ત્રવાડીએ વધુમાં જણાવ્યું કે, દર વર્ષે 122 કરોડનું બજેટ પસાર કરાય છે. એટલે કે, એક વોર્ડના ફાળે 10થી 12 કરોડનાં કામો થઈ શકે. શું કોઈ વોર્ડમાં આટલી રકમનાં કામો સત્તાપક્ષે કર્યાં છે, તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો. ભૂતકાળમાં અમુક ઉમેદવારો જાહેરમાં વિરોધ ભૂલી કાગળની જ લડાઈમાં વ્યસ્ત બન્યા હતા તે અંગે શું કહેશો, તો જણાવ્યું કે, સામાન્ય સભા થોડી મિનિટોમાં આટોપી લેવાય છે. કરોડોનાં કામોની માહિતી નથી અપાતી, જેથી ગાલમેલ છતી કરવા આર.ટી.આઈ.નો સહારો લેવો પડે છે. કોંગ્રેસના ઉમેદવારોને દરેક વોર્ડમાં સારો આવકાર મળી રહ્યો છે તેવું ઉમેર્યું હતું. પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય ભાજપે કાંઈ જ નથી કર્યું તેવો આક્ષેપ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ-પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટી તથા દીપક ડાંગરે કરી ઉમેર્યું કે, કોંગ્રેસના ઉમેદવારો જીતશે, તો શિક્ષણ, આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપી ભુજવાસીઓને ભ્રષ્ટાચારમુક્ત શાસન આપશે. તેમણે ઉમેર્યું કે, ભાજપે સુધરાઈના પૂર્વ હોદ્દેદારોને પણ તક નથી આપી, જે સાબિત કરે છે કે, તેમણે ભૂતકાળનું શાસન યોગ્ય નથી ચલાવ્યું તેવો કટાક્ષ કર્યો હતો. `આપ'નું લોકસમસ્યા ઉકેલનું સોગંદનામું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી `આપે' પણ ઝુકાવ્યું છે. સમગ્ર કચ્છમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની બેઠકો ઉપર 125 જેટલા ઉમેદવારો ઊભા રાખી ભાજપ-કોંગ્રેસની નીતિ-રીતિથી વાજ આવેલા લોકો માટે મજબૂત વિકલ્પ આપ્યો છે. ભુજ સુધરાઈની બેઠકો પર કેવા ઉમેદવારો પસંદ કર્યા છે, તેવા સવાલ સામે આપના જિલ્લા પ્રમુખ રોહિતભાઈ ગોર અને વેસ્ટ ઝોન ઉ.પ્ર. નેહલભાઈ વૈદ્યે જણાવ્યું કે, ભુજ પ્રત્યે લાગણી હોય, શહેર પ્રત્યે પેટ બળતું હોય તેવા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારાયા છે. કોઈ રાજકીય ઉમેદવાર નથી. જો આપને લોકો ચૂંટશે, તો ખાસ વિઝન શું હશે ? તેવા સવાલના ઉત્તરમાં કહ્યું કે, મુખ્યત્વે સર્વશ્રેષ્ઠ પાણીની વ્યવસ્થા, પાર્કિંગ સુવિધા, ઢોર માટે માનવીય વ્યવસ્થા, ભુજના પ્રશ્નો અને વિકાસ માટે નાગરિકોની ભાગીદારી, સર્વશ્રેષ્ઠ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સર્વશ્રેષ્ઠ ભુજનું હમીરસર, શ્રેષ્ઠ ગટર, લાઈટ, રોડ વ્યવસ્થા, પર્યટન સ્થળ, લારી-ગલ્લા પ્રશ્ન, પરિવહન, મહિલાઓ માટે જનસુવિધા વિ. મુખ્ય બાબતો રહેશે. વાર્ષિક 122 કરોડના બજેટનાં પ્લાનિંગ સાથે વહીવટ કરી, લોકસુવિધાઓ વધારાશે. તેમણે ઉમેર્યું કે, લોકો સમસ્યાથી ત્રસ્ત બન્યા છે અને બંને મુખ્ય પક્ષોથી પણ કંટાળ્યા છે, ત્યારે આપના ઉમેદવારને જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસની મિલીભગત છે, જ્યારે આમ આદમી પાર્ટી પ્રજાલક્ષી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપના ઉમેદવારો લોકોની સમસ્યા હલ કરશે તે માટે તેમના સોગંદનામા કરાવાયાં છે. ધર્મથી નહીં, પણ કર્મથી રાજનીતિ કરવી છે. જો સત્તામાં આવશે, તો ભુજ માટે પાંચ મેડિકલ વાહન તૈનાત રાખી જનરલ હોસ્પિટલમાં થતી ભીડથી લોકોને રાહત આપવા પ્રયાસ કરાશે. જો બેઠકો નહીં મળે, તો પણ આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર મુદ્દે લડત ચાલુ રખાશે તેવું ઉમેર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer