પાવરપટ્ટીના સમગ્ર સીમાડામાં એરંડો અડીખમ

પાવરપટ્ટીના સમગ્ર સીમાડામાં એરંડો અડીખમ
બાબુ માતંગ દ્વારા નિરોણા (પાવરપટ્ટી), તા. 22 : ગત ચોમાસાંમાં મેઘરાજાએ મહામહેર વરસાવ્યા બાદ પાવરપટ્ટીના સમગ્ર સીમાડામાં મુખ્યત્વે એરંડાના પાકનું વિક્રમી વાવેતર કરવામાં આવ્યું હતું. જે પાકને શિયાળામાં પંથકની સિંચાઈ યોજનાઓ દ્વારા પિયતની સગવડ ઉપલબ્ધ થયા પછી હાલ સમગ્ર વિસ્તાર એરંડાના અડીખમ પાકથી લચી પડયો છે. પૂર્વે રૂદ્રમાતા જાગીરથી માંડી પશ્ચિમે થાન જાગીર વચ્ચેના મોટાં રણને કાંઠે પથરાયેલી પાવરપટ્ટ વિસ્તારની જમીન ભારે ફળદ્રુપ છે, પરંતુ પેટાળનાં તળ ભારે ઊંડાં અને ક્ષારયુક્ત હોઈ પંથકની ખેતી મોટાભાગે વરસાદ ઉપર આધારિત છે. પંથકમાં મેઘરાજાની મહેર વરસે તો ખેતપેદાશની દૃષ્ટીએ જિલ્લામાં આ વિસ્તાર અવલ્લ નંબરે રહે છે. ગત ચોમાસાની સમગ્ર સિઝનમાં મેઘરાજાએ પંથકમાં ધામા નાખ્યા પછી લોકો મગ, ગુવાર, તલ જેવા પાકો સાથે મુખ્યત્વે એરંડાના પાકનું વિક્રમરૂપ વાવેતર કર્યું હતું. વિસ્તારની પૂર્વે નોખાણિયા-સુમરાસર (શેખ)થી માંડી પશ્ચિમે દેવીસર સુધીના વગડાની લગભગ 30.000 એકરથી પણ વધુ જમીનમાં એરંડાનું વાવેતર થયું હતું. આ પાકને મુખ્યત્વે પિયત, ઠંડી અને ઝાકળ ખૂબ જ અનુકૂળ હોઈ, આ કુદરતી પરિબળો ઉપલબ્ધ બનતાં એરંડાના પાકની પૂરઝડપે વૃદ્ધિ થઈ ફાલ્યાવસ્થાએ પહોંચ્યો છે. પંથકની દક્ષિણે પહાડી મોટો વિસ્તાર પથરાયેલો હોઈ રૂદ્રમાતા, કાયલા, નિરોણા, ભૂખી સિંચાઈ યોજનાના આડબંધમાં ચોમાસાં દરમ્યાન વિપુલ જથ્થામાં પાલર પાણી એકત્ર થયાં હતાં, જેમાં નિરોણા અને કાયલા ડેમ છલકાયા તો રૂદ્રમાતા અને ભૂખી ડેમો છલકાતાં રહી ગયા હતા. દિવાળી પછી આ ચારેય સિંચાઈ યોજનાઓ કાર્યાન્વિત કરાતાં સમગ્ર વિસ્તારમાં પથરાયેલી કેનાલ હરી-ભરી બનતાં પંથક પંજાબ સમોવડો બન્યો હતો. આ સિંચાઈ યોજના હેઠળ કયાંક એરંડાના પાકને બેથી ત્રણ, તો કયાંક ચાર-પાંચ વખત પિયતનો લાભ મળતાં અષાઢ-શ્રાવણ માસમાં વવાયેલો એરંડો પાંચ-છ માસ પછી વધી ને વણ (વૃક્ષ) થઈ લીલોછમ લહેરાઈ રહ્યો છે. વળી, ચાલુ સાલે હવામાન પણ આ પાકને વધુ અનુકૂળ રહેતાં ખેતરો અને વાડીઓ એરંડાના પાકથી લચી પડયાં છે. એટલું જ નહીં, તેની માળ (ફાલ) પણ ભારે ફાલી હોઈ, ચાલુ સાલે પંથકમાં ભારે વિક્રમી ઉત્પાદન થવાની આશાએ નાનાં-મોટા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. છેલ્લાં ઘણા વર્ષોથી પંથકમાં ચોમાસાં દરમ્યાન એરંડાનું વાવેતર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ ઉત્પાદનની અધવચ્ચે કે આખરી ઘડીએ તેમાં કુદરતી પ્રકોપરૂપ ઈયળોનો ઉપદ્રવ વધી પડતાં ઉત્પાદન પર અવળી અસર ઊભી થતી હોય છે, પરંતુ ચાલુ સાલે આજ સુધી આવી કોઈ કુદરતી જીવાત આ પાક પર જોવા મળેલી નથી, જેને લઈ ખેડૂતો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. છેલ્લા એક - દોઢ માસથી આ પાક પૂર્ણ અવસ્થામાં હોઈ કાપણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કયાંક બે તો કયાંક ત્રણથી વધુ કાપણી થઈ ચૂકી છે, જેને લઈ સીમાડાનાં ખેતરોમાં કે ખળાંમાં કાપણી કરાયેલી એરંડાની માળના ભારે ઢગલા એકત્ર સુકાતાં નજરે ચડે છે. એક અંદાજ મુજબ એકરદીઠ સારાં ઉત્પાદનને ધ્યાનમાં લેતાં પંથકમાં 20 હજાર ટનથી પણ વધુ એરંડાનું ઉત્પાદન થઈ શકે છે, જેની અંદાજિત કિંમત પોણા અબજને આંબી શકે છે. દરમ્યાન, છેલ્લાં બે-ત્રણ વર્ષ અગાઉ એરંડાના જથ્થાબંધ બજારભાવ મણ (40 કિલો)ના બે હજારથી પણ ઉપર પહોંચ્યા હતા, પરંતુ હાલ છેલ્લા કેટલાક સમયથી બજારભાવ મણના 1800 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે, જે ભવિષ્યમાં વધવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. તો કેટલાક મોટા ગજાંના ખેડૂતો વધુમાં વધુ ભાવ મળવાની આશાએ હજારો ગુણી એરંડાનો જથ્થો પોતાના ગોદામો કે ઘરમાં સંગ્રહી રાખવાની વ્યવસ્થા અત્યારથી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer