મોટેરામાં ખતમ થશે કોહલીનો સદીનો દુષ્કાળ ?

નવી દિલ્હી, તા. 22 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીનો ત્રીજો ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. પહેલી વખત ભારત અને ઈંગ્લેન્ડની ટીમ એક બીજા સામે પિંક બોલથી ડેનાઈટ ટેસ્ટ રમશે. શ્રેણીના પરિણામના હિસાબે આ ટેસ્ટ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જ્યારે આ મુકાબલામાં દર્શકોને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે પણ એક દમદાર ઈનિંગની આશા રહેશે. કોહલીએ ચૈન્નઈ ટેસ્ટની બીજી ઈનિંગમા 62 રનની ઈનિંગ રમી હતી પણ સદીના દુષ્કાળને પુરો કરી શક્યો નહોતો. વિરાટે સદી કરી તેને એક વર્ષથી વધુ સમયથી સદી કરી નથી. તેવામાં હવે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં કોહલી સદી કરશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. કોહલીને કારકિર્દીની શરૂઆતમાં સફેદ બોલનો સારો બેટ્સમેન માનવામાં આવતો હતો પણ કોહલી ટેસ્ટમાં પોતાની છાપ છોડી શક્યો નથી. 2014માં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં કોહલીના ફ્લોપ શો બાદ ખૂબ આલોચના થઈ હતી. જો કે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં કેપ્ટનશિપ મળ્યા બાદ વિરાટનું બેટ બોલ્યું છે અને ઘરેલૂ તેમજ વિદેશી શ્રેણી બન્નેમાં રનનો ઢગલો કર્યો છે. 2019ના અંતમાં દક્ષિણ આફ્રિકા સામે કોહલીએ 254 રનની શાનદાર ઈનિંગ કરી હતી. જ્યારે પિંક બોલ ટેસ્ટમાં બંગલાદેશ સામે 136 રન કર્યા હતા. જો કે 2020ની પહેલી ટેસ્ટ શ્રેણીની ચાર ઈનિંગમાં કોહલી માત્ર 38 રન જ કરી શક્યો હતો. ત્યારબાદ કોરોનાના કારણે ઘણા મહિના સુધી ક્રિકેટ ઉપર રોક લાગી હતી. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે શ્રેણી રમી હતી. જેમાં કોહલી પેટરનિટી લીવના કારણે એક જ મેચ રમી શક્યો હતો. પિંક બોલ ટેસ્ટમાં કોહલી સદી તરફ આગળ વધી રહ્યો હતો પણ 75 રને રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આમ 2020 કોહલીએ સદી વિના અલવિદા કર્યું હતું. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ કોહલી બે અર્ધસદી કરી ચુક્યો છે પણ સદીનો દુષ્કાળ ખતમ કરી શક્યો નથી.