કેસીએ વટભેર સેમિફાઇનલમાં

કેસીએ વટભેર સેમિફાઇનલમાં
ભુજ, તા. 22 : રાજકોટને ખંડેરી ગ્રાઉન્ડ પર ચોગ્ગા, છગ્ગા સાથે આર્યન મલિકની શાનદાર સદીના બળે રાજકોટ રૂરલ ટીમને તેના જ ઘરમાં 20 રને હાર આપતાં કેસીએ ભુજ ટીમે ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવીને વટભેર સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આવતીકાલે મંગળવારે ભુજની રાજકોટ સિટી સામે ટક્કર થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન યોજિત સ્પર્ધામાં આજની મેચ જીતીને કચ્છની અંડર-19 ટીમ પહેલીવાર સેમિફાઇનલમાં પહોંચી છે. ટોસ જીતીને મેદાન પર ઉતરેલી ભુજની ટીમે આર્યનના નવ ચોગ્ગા, પાંચ ગગનચૂંબી છગ્ગા સાથે 72 દડામાં શાનદાર સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 296 રનનું પડકારરૂપ લક્ષ્ય આપ્યું હતું. કુણાલ કટ્ટાએ 10 ચોગ્ગા સાથે 56, જીત ખેરે બે ચોગ્ગા, 4 છગ્ગા સાથે 54, રાજન મહેશ્વરીએ 23, દિગંત મોડે 21 રન કર્યા હતા. અંકિત મકવાણાએ ત્રણ, માનવ ખૂંટે બે વિકેટ લીધી હતી. રાજકોટ રૂરલ 276 રન કરી શકી હતી. સદી ચૂકેલા હર્ષવર્ધન રાણાએ 97, અંકિતે 44 રન કર્યા હતા. મલિક, લક્કીરાજ વાઘેલા, દિગંતે બે-બે વિકેટ લીધી હતી. ભુજ ટીમના કોચ યુવરાજસિંહ જાડેજા ડિસ્ટ્રીક્ટ ટીમને પહેલીવાર સેમિફાઇનલમાં પહોંચાડયા બાદ અંડર-19 ટીમને પણ પહોંચાડવામાં સફળ થતાં સૌએ સફળતા બિરદાવી હતી. કેસીએ પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરત ધોળકિયા, મંત્રી અતુલ મહેતા, સહમંત્રી પ્રવીણ હિરાણી, સિલેક્ટર નવલસિંહ જાડેજા, મહિપતસિંહ રાઠોડ, મેનેજર મહેશ સોનીએ ટીમને શાબાશી આપી હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer