રાપર તાલુકાના ચૂંટણીજંગમાં ખેતી, નર્મદાના પાણી મુખ્ય મુદ્દો

રાપર તાલુકાના ચૂંટણીજંગમાં   ખેતી, નર્મદાના પાણી મુખ્ય મુદ્દો
ઉદય અંતાણી દ્વારા રાપર, તા. 22 : કચ્છને સિંચાઈનાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ તૈયાર થયેલી નર્મદા યોજનાનાં નીરથી રાપર તાલુકો ખેતીક્ષેત્રે અગ્રેસર બન્યો. આજે માત્ર રાપર તાલુકામાં જ 70 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષે ભાજપ `અબ નહીં તો કબ બનેગા વાગડ ખેતી કા હબ' સૂત્ર સાથે તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ લડયો હતો. ત્યારે નર્મદા નીરનાં અધૂરાં કામો પૂરાં કરવા, તાલુકામાં માળખાંકીય સુવિધાઓના થયેલા વિકાસ ઉપરાંત રાષ્ટ્રીય મુદ્દાને આગળ ધરીને સતત ત્રીજી વખત પંચાયતમાં શાસન જાળવી રાખવા મેદાનમાં ઉતર્યો છે. જયારે વિપક્ષ કોંગ્રેસે ભાજપના જુઠ્ઠાણા, જળસંચયનાં કામોમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક અંકે કરવા કમર કસી છે. ચૂંટણી આડે હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી રહ્યો હોવાથી હાલ વાગડના ગામડાંઓ ચૂંટણીસભા, ગ્રુપ મિટિંગો સાથે ગાજી રહ્યાં છે. જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની 24 બેઠક ઉપર વર્ષ 2015ની ચૂંટણીમાં માત્ર બે બેઠકોને બાદ કરતાં 22 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. આ વખતે જિલ્લા પંચાયતની પાંચ બેઠકો ઉપર તો ભાજપ વચ્ચે સીધો જંગ છે. જયારે તાલુકા પંચાયતની 24 બેઠક પૈકી 7 બેઠકો ઉપર ત્રણ કે ચાર ઉમેદવારો મેદાનમાં છે. જેમાં બેલા, ફતેહગઢ, ચિત્રોડ, કિડિયાનગર, માણાબા, રવ મોટી અને સેલારીમાં બેથી વધુ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. સીમાંકનમાં કોઈ ફેરફાર નહીં, રોટેશન બદલ્યાં રાપર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોનાં સીમાંકનમાં કોઈ બદલાવ નથી. પરંતુ ચાર બેઠકનાં રોટેશન બદલ્યાં છે. જેમાં મોટી રવ સામાન્ય હતી તે મહિલા અનામત થઈ, જેનાં કારણે ગત ટર્મમાં જિલ્લા પંચાયત પ્રમુખ રહેલા આ વખતે ચૂંટણી લડી ન શકયા. આ ઉપરાંત ભીમાસરની બેઠક સામાન્ય ત્રી થઈ. ફતેહગઢ મહિલા અનામત હતી તે બિનઅનામત સામાન્ય થઈ અને પલાંસવા બેઠક સામાન્ય મહિલામાંથી સામાન્ય થઈ. જયારે ગાગોદર બેઠકનાં રોટેશનમાં કોઈ બદલાવ નથી આવ્યે. જ્ઞાતિ સમીકરણ-ઉમેદવારો તાલુકાની તાસીર મુજબ તાલુકા, જિલ્લા પંચાયતમાં જ્ઞાતિના ઉમેદવારને જ જીતાડવાની રહી છે. પક્ષ નહીં વ્યક્તિને મહત્ત્વ અપાય છે. આ વખતે જિલ્લા પંચાયતની પાંચ પૈકી બે બેઠક ઉપર જ્ઞાતિ સમીકરણનો ડર રાજકીય પક્ષોને સતાવી રહ્યો છે. ભીમાસર બેઠક ઉપર ભાજપના કંકુબેન ભગાભાઈ મરંડ, કોંગ્રેસના જોમાબેન મોહનભાઈ લોડાણી, ફતેહગઢ બેઠક ઉપર વણવીર ભોજાભાઈ રાજપૂત (ભાજપ) સામે કોંગ્રેસના જયવીરસિંહ મંગરૂભા વાઘેલા, ગાગોદર બેઠક ઉપર ભાજપમાંથી ભચુભાઈ ભોજાભાઈ વૈદ્ય સામે કોંગ્રેસમાંથી મેઘરાજ નાનજી પટેલ, પલાંસવા બેઠક ઉપર ભાજપના મહાવીરસિંહ મહાદેવભાઈ જોગુ સામે કોંગ્રેસના બળદેવસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર અને રવ મોટી બેઠક ઉપર જયશ્રીબા રાજુભા જાડેજા ભાજપમાંથી તો વેજીબેન રણછોડભાઈ ઢીલા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. પાંચ પૈકી ફતેહગઢ, ભીમાસર અને ગાગોદર બેઠક ઉપર ખરાખરીનો જંગ જામશે. જ્ઞાતિવાદ સમીકરણ મતદાન ઉપર અસર ન કરે તે માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મતદારો તાલુકા પંચાયતની ચૂંટણીમાં 79,484 પુરુષ અને 70,483 ત્રી મતદારો સહિત કુલ 1,49,973 મતદારો જિલ્લા અને તાલુકા પંચાયતના 67 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. ગત વર્ષે જિલ્લા પંચાયતની પાંચમાંથી 4 બેઠક ભાજપ પાસે અને એક કોંગ્રેસ પાસે હતી. જયારે તાલુકા પંચાયતમાં 18 બેઠક સાથે ભાજપ સત્તા ઉપર હતો અને કોંગ્રેસે 6 બેઠકો જીતી હતી. પ્રતિનિધિની મતવિસ્તારમાં હાજરીનું વચન રાપરના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતાએ શહેરના અયોધ્યાપુરીમાં આવેલાં કાર્યાલય ખાતે કચ્છમિત્ર સાથેની વાતચીતમાં સતત ત્રીજા વર્ષે પણ શાસન જાળવી રાખશું અને તમામ બેઠકો અંકે કરવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતર્યા હોવાનું જણાવ્યું હતું. ગત ટર્મ કરતાં આ વખતે વધુ બેઠકો ઉપર જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. રામમંદિર, કલમ 370, ખેડૂતોનાં ખાતાંમાં આવેલી વળતરની રકમ, કોરોનાકાળમાં સરકારની કામગીરી સહિતની રાષ્ટ્રીય કક્ષાની સારી કામગીરી ગ્રામીણ મતદાર સુપેરે જાણતો હોવાનું જણાવી આ પરિબળ પણ ભાજપની જીતમાં મહત્ત્વનો ભાગ ભજવશે તેમ કહ્યંy હતું. નર્મદાના પેટા કેનાલનાં કામો ઉપરાંત આખાં કચ્છનાં નર્મદાના કામ પૂરાં કરવાનો ધ્યેય છે તેમજ વિજેતા ઉમેદવાર મહિનામાં એક વખત લોકસંપર્ક કરશે તેવાં ભાવિ આયોજન સાથે ભાજપ ચૂંટણીજંગમાં ઉતર્યો છે. તેઓ ખુદ એપીએમસીના ચેરમેન હોવાનું જણાવી નવા કૃષિ કાયદાથી ખેડૂતોને એપીએમસીમાં ભરવા પડતા સેસની બચત થશે અને વેંચાણ માટે મોટું ફલક મળશે તેમ કહી કૃષિ કાયદાનો પણ લાભ મળશે તેમ જણાવ્યું હતું. રાપર તાલુકાના પ્રત્યેક ગામમાંથી બહાર નીકળતા જ 15 કિલોમીટરે નેશનલ હાઈવે મળશે. જે આગામી સમયમાં રાપર તાલુકા માટે વિકાસનાં નવાં દ્વાર ખોલશે. પક્ષમાં અસંતોષ અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યંy હતું કે પરિવારમાં ટિકિટ ફાળવણી સમયે અસંતોષ થાય પરંતુ સૌ એક થઈને ઉમેદવારોને જીતાડવામાં કામે લાગી ગયા છે. પરિવારની વાત પરિવારમાં પતી ગઈ છે. નર્મદા નહેરથી સમૃદ્ધિ આવી છે અને આ સમૃદ્ધિ વાગડ માટે શાંતિનો માર્ગ બની હોવાનું કહ્યું હતું. તાલુકામાં ભાજપના શાસનમાં ફતેહગઢ-પલાંસવા રાજય ધોરીમાર્ગ જાહેર થયો, અગાઉ 66 કેવીના 3 સબસ્ટેશન હતાં તેની સામે હાલ 18 સબસ્ટેશન, દર પાંચ કિલોમીટરે માધ્યમિક શાળા, ફતેહગઢ ડેમ, સુવઈ આધારિત પાણી યોજના, રસ્તા, લાઈટ સહિતના વિકાસકામ થયાં હોવાનું તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાએ જણાવ્યું હતું. નર્મદા મુદ્દે ભાજપનાં જુઠ્ઠાણા ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભચુભાઇ આરેઠિયા રાપર તાલુકા કોંગ્રેસ કાર્યાલયમાં મળી ગયા તેમનો આક્ષેપ ઉગ્ર છે. કેન્દ્રના કૃષિ કાયદાથી ખેડૂતો ખુદ પરેશાન છે. ભાજપ નર્મદા મુદ્દે જુઠ્ઠાણા ફેલાવી રહ્યો છે. પેટા કેનાલનાં કામો પૂરાં નથી થયાં. ખેડૂતોએ ડીઝલનો ખર્ચ કર્યો પરંતુ પાણી વિલંબથી છોડાતું હોવાના કારણે પાકમાં નુકસાની થાય છે અથવા ઓછો ઉતરે છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના ભાવવધારા સહિતની ભાજપની નિષ્ફળતા છે. રાપર તાલુકાનો 75 ટકા વિસ્તાર નોન કમાંડ એરિયામાં છે. તેવો સરકારે જ જવાબ આપ્યો છે. તાલુકા પંચાયતમાં વિકાસના એક પણ કામ થયાં નથી. શ્રી આરેઠિયા કહે છે કે 377 ડેમમાંથી 350 ડેમ તૂટેલા હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. વરસાદનું પાણી સંગ્રહિત થતું નથી. રાપર તાલુકાએ વિધાનસભામાં કોંગ્રેસને 8,900 મતની લીડ આપી હોવાનું જણાવી તાલુકા પંચાયત પણ અમે જ અંકે કરશું અને જિલ્લા પંચાયતની બેઠકના ગત વર્ષના પરિણામ પલટી નાખી ચાર બેઠક પણ જીતશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતે. વિરોધપક્ષમાં હોવા છતાંય તાલુકામાં માતબર રકમના વિકાસના કામો કરાવ્યાં હોવાનું જણાવી આ કામોનું ભાથું મતદારો સુધી લઈ જશું તેવું તેમણે જણાવ્યું હતું. રાપર તાલુકાએ જિ.પં.ને બે પ્રમુખ, બે ઉપપ્રમુખ આપ્યા રાપર તાલુકાએ જિલ્લા પંચાયતના બે પ્રમુખ અને બે ઉપપ્રમુખ આપ્યા છે. અગાઉ ફતેહગઢ બેઠક ઉપરથી ચૂંટાયેલાં જાગૃતિબેન શાહ પ્રમુખપદે હતાં, જયારે ગત ટર્મમાં રવ મોટી બેઠક ઉપરથી ચૂંટાયેલા લક્ષમણસિંહ સોઢા ઉપપ્રમુખ અને પ્રમુખપદે રહ્યા હતા, જયારે અગાઉ રામવાવના કલુભા જાડેજા ઉપપ્રમુખપદે રહ્યા હતા. આ વખતે પણ જિ.પં. પ્રમુખપદ સામાન્ય ત્રી માટે અનામત હોવાથી રવ બેઠકનાં વિજેતા મહિલા અન્ય પરિણામોનાં આધારે ખુરશી નજીક રહે તેવી સંભાવના નકારી ન શકાય. પ્રચાર-પ્રસાર તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. હાલ ભાજપના પૂર્વ ધારાસભ્યો પક્ષના આગેવાનો દ્વારા સાંજના સમયે જિલ્લા પંચાયત બેઠક દીઠ સભાઓ ગજવી રહ્યા છે. સૌ તાલુકા પંચાયત દીઠ સોશિયલ મીડિયા માટેની ટીમ બનાવાઈ છે. તેમજ સભામાં યુવાનો પોતે ફેસબુક લાઈવ કરતા હોય છે. મોટી ઉંમરના મતદારોની સંખ્યા મોટી છે, જેથી તેમને ધ્યાનમાં રાખી ફેસ ટુ ફેસ પ્રચાર કરાય છે. તો કોંગ્રેસ દ્વારા પણ સોશિયલ મીડિયા માટે સેલ બનાવાયું છે. કોરોનાકાળમાં કોઈ સંક્રમિત ન થાય તે માટે મોટી સભાઓ ન યોજી ડોર ટુ ડોર સંપર્કનું આયોજન ઘડાયું છે. આ વિસ્તારના મતદારોનો મૂડ જોતાં પક્ષ કરતાં ઉમેદવારને વધુ પ્રાધાન્ય અપાય તેવો માહોલ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ બન્નેએ ખેતી અને નર્મદાના પ્રશ્નને જ મુખ્ય મુદ્દો બનાવ્યો છે, ત્યારે 3 માર્ચના મતદારોનો ફેંસલો આવ્યા બાદ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer