અબડા અડભંગની ભૂમિ પર જૂથવાદની ધારે તીવ્ર સંગ્રામ

અબડા અડભંગની ભૂમિ પર જૂથવાદની ધારે તીવ્ર સંગ્રામ
સતીશ ઠક્કર દ્વારા નલિયા, તા. 21 : સુમરીઓનું શિયળ બચાવવા 72 દિવસના ભીષણ સંગ્રામ પછી પોતાની જાનની આહુતિ આપનાર વીર જખરાજી ઉર્ફે જામ અબડા અડભંગની વીરભૂમિ એટલે અબડાસા તાલુકો, ચાલુ મહિનાના અંતે અબડાસામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લોકશાહીનાં પર્વ સમાન ચૂંટણીમાં સત્તા માટે મહાસંગ્રામ યોજાવાનો છે ત્યારે મુખ્ય બે રાજકીય પક્ષોએ સત્તા મેળવવા બાંયો ચઢાવી છે. કયાંક અપક્ષો પણ પોતાની કિસ્મત અજમાવવા મેદાને જંગમાં ઉતર્યા છે. જિ.પં.ની ત્રણ બેઠકો અબડાસા તાલુકામાં કુલ 83,611 મતદારો પૈકી 42,233 પુરૂષ અને 40,378 ત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં મોથાળા જિ.પં. અનુ. જાતિ, નલિયા જિ.પં. સમાન્ય મહિલા, વાયોર જિ.પં. સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે. તા.પં.ની 18 બેઠકો આ ત્રણ જિ.પં. બેઠકો હેઠળ આવરી લેવાઇ છે. પ્રત્યેક જિ.પં. બેઠકમાં છ તા.પં. બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેથાળા જિ.પં. બેઠક હેઠળ 16098 પુરૂષ 15199 ત્રી કુલ 31297, નલિયા જિ.પં. બેઠક હેઠળ 13006 પુરૂષ 12473 ત્રી કુલ 25479, વાયોર જિ.પં. બેઠક હેઠળ 14099 પુરૂષ 12706 ત્રી કુલ 26805 મતદારોનો સમાવેશ થાય છે. તા.પં. બેઠકોનું રોટેશન અબડાસા તા.પં. બેઠક હેઠળ 18 બેઠકો આવરી લેવાઇ છે. જેમાં 50 ટકા મહિલા અનામતનો સમાવેશ થાય છે. મોટા ભાગનાં નવા ચહેરા તાલુકા પંચાયતમાં બંને પક્ષોએ નવા ચહેરાને સ્થાન આપ્યું છે. કોંગ્રેસે કોઇ ઉમેદવારને ફરીથી ટિકિટ આપી નથી ભાજપે વાયોર બેઠકનાં ઉમેદવારને પહેલા રામપર બેઠક પર ચૂંટાઇ આવેલ ઉમેદવારને ફરીથી વાયોર બેઠક પર જુવાનસિંહ પ્રવીણસિંહ જાડેજા, સુથરી બેઠક પર ગત ટર્મમાં ચૂંટણી લડી ચૂકેલા જેનાબાઇ આમદ સંગારને ફરીથી એ જ બેઠક પર રિપીટ કર્યા છે. વિધાનસભા પેટાચૂંટણી અબડાસામાં 4 મહિના પૂર્વે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને તા.પં.ની 14 સીટ પર બહુમતી મળી હતી, જ્યારે અપક્ષ ઉમેદવાર હનીફબાવા પઢિયારને ચાર તા.પં. બેઠક પર બહુમતી મળી હતી. જ્યારે અપક્ષ અને કોંગ્રેસના મત સાથે ગણીએ તો 9 સીટ પર કોંગ્રેસની સરસાઇ થાય છે. ગત વર્ષે નવેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણીમાં અબડાસામાં 23052 મત મળ્યા હતા. અપક્ષને 14303, કોંગ્રેસને 8795 મત મળ્યા હતા. 1010 નોટાને એકંદર 50259નું મતદાન થયું હતું. ભાજપને ખીરસરા (કો.), વરાડિયા, ડુમરા, નલિયા-2, નલિયા-1, રામપર (અ.), તેરા, મોથાળા, વાયોર, બાંડિયા, કોઠારા, નરેડી, બિટ્ટા, ભાનાડા જ્યારે અપક્ષને સુથરી, વિંઝાણ, બેર મોટી, જખૌ બેઠક પર બહુમતી મળી હતી. કોંગ્રેસને 18 બેઠક પૈકી કોઇ બેઠક પર સરસાઇ મળી ન હતી. અલબત્ત, અપક્ષ અને કોંગ્રેસના મત ભેગા કરીએ તો કોંગ્રેસની બેઠકની સંખ્યા નવ થવા જાય છે. જો કે, વિધાનસભા બેઠકના કોઇ સમીકરણ કામ નહીં આવે. કારણ કે તા.પં.ની ચૂંટણીમાં ઊભેલા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનું પણ વ્યક્તિગત બળ કામ લાગી શકે છે. તા.પં.માં પક્ષોનું સંખ્યાબળ અબડાસા તા.પં.માં કુલ 18 સભ્ય પૈકી 12 સભ્યનું સંખ્યાબળ ગત ટર્મમાં ભાજપનું હતું. જેમાં જખૌ, કોઠારા, મોથાળા, નલિયા-1, નલિયા-2, નરેડી, વરાડિયા, વિંઝાણ, બાંડિયા, રામપર (અ.), તેરા, વાયોર જ્યારે કોંગ્રેસનું છ બેઠકનું સંખ્યાબળ હતું, જેમાં ડુમરા, ભાનાડા, ખીરસરા (કો.), સુથરી, બેર મોટી, બિટ્ટાનો સમાવેશ થાય છે. જિ.પં.ની ત્રણ બેઠક અબડાસામાં જિ.પં.ની ત્રણ બેઠકનો સમાવેશ થાય છે, જેમાં નલિયા સામાન્ય ત્રી, વાયોર સામાન્ય, મોથાળા અનુ. જાતિ બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠક બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની બની રહી છે. ગત ટર્મમાં નલિયા અને વાયોર બેઠક કોંગ્રેસે હસ્તગત કરી હતી. જ્યારે મોથાળા બેઠક ભાજપ પાસે હતી. વાયોર બેઠક પર વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને સ્વ. જુવાનસિંહ હમીરજી જાડેજાના પુત્ર હકુમતસિંહ જે. જાડેજા પર ભાજપે પસંદગી ઉતારી છે. શ્રી જાડેજા તા.પં.ની ચારેક વખત ચૂંટણી લડી ચૂક્યા છે. તેમનો ક્યારેય પરાજય થયો નથી. જ્યારે કોંગ્રેસ પક્ષે ગત ટર્મમાં જિ.પં.ના સદસ્ય તરીકે રહી ચૂકેલા તકીશાબાવા સૈયદને રિપીટ કર્યા છે. અહીં ભાજપને બે મોરચે લડવાનું છે. અહીં મહેશોજી સોઢાના પુત્ર વીરભદ્રસિંહ સોઢાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગત ટર્મમાં પણ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવતાં ભાજપની આ બેઠક પર કોંગ્રેસ મેદાન મારી ગઇ હતી. મુખ્યત્વે મુસ્લિમ અને ક્ષત્રિય મતોના પ્રભુત્વવાળી આ બેઠક બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની બની રહી છે. નલિયા જિ.પં. મહિલા અનામત બેઠક પર અઢી વર્ષ તા.પં.ના પ્રમુખ રહી ચૂકેલાં ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજાએ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સામે પક્ષે કોંગ્રેસે પણ ક્ષત્રિય મહિલા ભાવનાબા સુરેશસિંહ જાડેજાને જંગમાં ઉતારી ભાજપને પડકાર ફેંક્યો છે. દેખીતી રીતે જ ક્ષત્રિય મતોમાં કોંગ્રેસ ભાગ પડાવશે. એટલું જ નહીં, અહીં ભાજપના અસંતુષ્ટો કોંગ્રેસને જીતાડવા ગામડાં ખૂંદી રહ્યા છે. જો કે, ભાજપના ઉમેદવાર મજબૂત માનવામાં આવે છે. મોથાળા જિ.પં. બેઠક પણ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની બની રહી છે. અહીં દયાપર કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પુરુષોત્તમ મગનલાલ મારવાડા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસના માવજી મેઘજી મહેશ્વરી જે મૂળ તરા મંજલના છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. અહીં ભાજપના અસંતુષ્ટ જૂથના દેવજી જુમ્મા મહેશ્વરીએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે અન્ય એક અપક્ષ નાગશી ખમુ અ.જા. પણ મેદાનમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક પર મહેશ્વરી સમુદાયના મત 4000થી વધુ છે. આ બેઠક પર પણ પ્રતિષ્ઠાનો જંગ ખેલાઇ રહ્યો છે. તા.પં.ની પ્રતિષ્ઠાવાળી બેઠકો અબડાસા તા.પં.માં સત્તા હસ્તગત કરવા આમ તો પ્રમુખપદ અંકે કરવા 10 અંકની જરૂર પડે, જેથી મોટા ભાગની તમામ બેઠકો પર પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે. બહુમતી હાંસલ કરવા બંને પક્ષો એડીચોટીનું જોર લગાવશે. તેમ છતાં વાયોર, નલિયા-2, વિંઝાણ, ડુમરા, કોઠારા, મોથાળા, વરાડિયા, તેરા, બાંડિયા નવ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. અબડાસા તા.પં.નું પ્રમુખપદ અઢી વર્ષ માટે સામાન્ય મહિલાનું રોટેશન નક્કી થયું છે. હજી સુધી કોઇ રાજકીય પક્ષે પ્રમુખપદનું નામ જાહેર કર્યું નથી કે બંને પક્ષમાંથી કોઇએ દાવેદારી પણ કરી નથી. અલબત્ત, બાંડિયા, ખીરસરા (કો.), નરેડી, સુથરી, બેર મોટી, રામપર (અ.), તેરા બેઠક પર વિજેતા થનારની પ્રમુખપદ પર પસંદગી થશે. કામો થયાં નથી આમ તો અબડાસા તાલુકો કોંગ્રેસનો ગઢ રહ્યો હતો. 1963થી 1994 સુધી તા.પં.માં કોંગ્રેસનું એકચક્રીય શાસન રહ્યું હતું. વર્ષ 1995થી ભાજપનું શાસન રહ્યું હતું. જે આજ દિ' પર્યંત ટકી રહ્યું છે. ગામડાંઓનાં વિકાસકામો તો થયાં છે. અલબત્ત, ઘણી બધી સમસ્યાઓ જેમની તેમ રહી છે. પરિણામે અનેક પ્રશ્નોની ભરમાર ચાલુ રહી છે. ખાસ કરીને નાની સિંચાઇના બંધની કેનાલની મરંમત ન થતાં સારા વરસાદ પછી પણ તેનો ફાયદો ખેડૂતોને મળતો નથી. જિ.પં. હસ્તકના ગામડાઓના અનેક માર્ગો ખખડધજ બની રહ્યા છે, જેની મરંમત થઈ નથી. જિ.પં. હસ્તકના દવાખાનાઓમાં અપૂરતી સુવિધાઓએ ભરડો લીધો છે. શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ પર માઠી અસર પહોંચી છે. નલિયામાં પીવાના પાણીનું ચોથે કે પાંચમે દિવસે વિતરણ કરાય છે. અહીં એસ.ટી.ના ગેટનો પ્રશ્ન પણ ઉકેલાયો નથી. લોક પ્રતિનિધિઓની નિક્રિયતાના કારણે અબડાસામાં સમસ્યાઓએ ભરડો લીધો છે. આમ તો અન્ય સમસ્યાઓ તો ઘણી છે. અલબત્ત, તેમાં તાલુકા કે જિલ્લા પંચાયતનું કાર્યક્ષેત્ર આવતું નથી. તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો સક્રિય થાય તો અનેક સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. રાજકીય પક્ષોમાં જૂથવાદ રાજકીય પક્ષોમાં ઘણા ટિકિટવાંચ્છુઓની ટિકિટ કપાતાં નારાજ થયેલા કાર્યકરો કમને ચૂંટણીનું કામ કરી રહ્યા છે. ભાજપના કેટલાક કાર્યકરોએ કોંગ્રેસને મદદ કરતાં જૂથવાદ છતો થયો છે. ચારેક વખત ચૂંટણી જીતેલા મહેશોજી સોઢાએ વાયોર અને મોથાળા જિ.પં. બેઠક પર અપક્ષ ઉમેદવારો ઊભા રાખ્યા છે. તો તા.પં.ની બાંડિયા, તેરા, નરેડી, ડુમરા બેઠક પર પણ અપક્ષ ઉમેદવારો ઊભા રાખતાં ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારો હાર-જીતનું પરિબળ બની રહે તેવું નિશ્ચિત મનાય છે. જ્ઞાતિવાદ પરિબળ અબડાસામાં સૌથી વધુ એટલે કે 45થી 55 (પંચાવન) ટકા મતદારો મુસ્લિમ છે. તે પછી ક્ષત્રિય મતદારોની પણ સંખ્યા નોંધપાત્ર છે. આ જ્ઞાતિવાદ સમીકરણને ધ્યાનમાં રાખી બે મુખ્ય રાજકીય પક્ષોએ ટિકિટની ફાળવણી કરી છે. કોંગ્રેસે 10 મુસ્લિમ ઉમેદવારોને તા.પં.ની અને 1 જિ.પં.ની ટિકિટ ફાળવી છે. તો 4 ક્ષત્રિય ઉમેદવારોને તા.પં.ની ટિકિટ ફાળવી છે. જ્યારે 1 જિ.પં.ની ટિકિટ ફાળવી છે. ભાજપે 6 તા.પં.ની સીટ ક્ષત્રિયને ફાળવી છે તો બે જિ.પં.ની ટિકિટ ક્ષત્રિયને ફાળવી છે, તો ભાજપે 3 લઘુમતીને પણ તા.પં.ની ટિકિટ ફાળવી છે. કોંગ્રેસનું પ્રચારતંત્ર કોંગી દ્વારા જિ.પં. બેઠકના 3 કાર્યાલય ખોલવામાં આવ્યાં છે. જેમાં મોથાળા, વાયોર, નલિયા ખાતે કાર્યાલય કાર્યરત કરાયાં છે. તો તા.પં. બેઠકવાઈઝ કાર્યાલય કાર્યરત કરવાનો તખતો ગોઠવાઈ રહ્યો છે. મોટી બેર ખાતે તા. પં. બેઠકનું કાર્યાલય કાર્યરત કરાયું છે. કોંગ્રેસને જીતાડવા સ્થાનિક તાલુકાના આગેવાનો દ્વારા ગામડે ગામડે પોકેટ મિટિંગ, લોકસંપર્ક અને ક્યાંક જાહેરસભા પણ યોજાઈ રહી છે. ચૂંટણી પ્રચારમાં હનીફ જાકબબાવા પઢિયાર, પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા, કિશોરસિંહ જાડેજા, લક્ષ્મીશંકર જોષી, ઈકબાલ મંધરા, મહેન્દ્ર ઠક્કર, ચેતન જોષી, સાલેમામદ પઢિયાર, જામભા સોઢા વગેરે ઘણા બધા કોંગી આગેવાનો પ્રચારમાં જોડાયા છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસનું પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલુ હોવાની સાથે ગામડાંઓમાં લોકસંપર્ક પણ યોજાઈ રહ્યો છે. હજુ સુધી મોટા ગજાના કોંગી નેતાઓની પ્રચારમાં ગેરહાજરી જણાય છે. જોકે, રાજ્ય કક્ષાના નેતાઓની બે સભા નલિયામાં યોજાશે, તેવું કોંગી વર્તુળોએ જણાવ્યું હતું. ઉમેદવારો દ્વારા હોન્ડાથી પણ પ્રચાર કરાય છે. વિજયનો દાવો અબડાસા તા.પં.ની 12 બેઠક કોંગી અંકે કરી તા.પં.માં શાસનની ધુરા સંભાળશે તો જિ.પં.ની તાલુકાની ત્રણેય બેઠક પર પણ કોંગ્રેસ નિશ્ચિત વિજય મેળવશે તેવો દાવો તાલુકા કોંગી પ્રમુખ અજિતસિંહ જાડેજાએ કર્યો હતો. કોંગીના વિજયના કારણો જણાવતા તેમણે કહ્યું હતું કે, તા.પં.માં બે દાયકાથી વધુ સમયથી કોંગીનું શાસન છે, પણ ઘણા બધા ગામડાઓમાં વિકાસ હજુ પહોંચ્યો નથી. જિ.પં.ના દવાખાના છે, પણ ડોક્ટર નથી. શિક્ષકોની પણ ઘટ છે તેવું જણાવી ગામડાના માર્ગો પણ બિસ્માર છે તેવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા ગામડાંઓમાં એટીવીટી જેવી વિકાસની ગ્રાન્ટ ફાળવણીમાં પણ ભેદભાવ કરાય છે. કોંગ્રેસમાં હવે કોઈ જૂથબંધી નથી. સામે ભાજપમાં ટિકિટ ફાળવણીના મુદ્દે ભારે અસંતોષ હોતાં જેનો લાભ ચૂંટણીમાં કોંગીને મળશે તે નિશ્ચિત છે. વળી તા.પં.ના પ્રમુખોએ બે દાયકાથી કોઈ કામ કર્યું નથી. જેનો પડઘો આ ચૂંટણીમાં પડવાના કારણે કોંગીનો વિજય પાકો હોવાનું જણાવ્યું હતું. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે ? તેવા પ્રશ્નના જવાબમાં કોંગી પ્રમુખે કહ્યું હતું કે, નાના-નાના માણસોના રોજબરોજના પ્રશ્નો ઉકેલવા કોંગી મદદરૂપ થશે. તાલુકાની સમસ્યાઓનો નિવેડો લાવવા કોંગ્રેસની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ભાજપનો પ્રચાર વેગવંતો અબડાસા તા.પં.ની 18 બેઠક અને જિ.પં.ની 3 બેઠક પર ભાજપનું પ્રચારતંત્ર વેગવંતુ બન્યું છે. વાયોર, મોથાળા, નલિયા જિ.પં. બેઠક પર કાર્યાલય ખૂલી ગયાં છે. હજી તા.પં.ની 18 બેઠક પર કાર્યાલય ખોલવામાં આવશે તેવું અબડાસા તાલુકાના ભાજપના ચૂંટણીના ઈન્ચાર્જ અને જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ભાજપના પ્રચારમાં ધરાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જિ.પં.ની બેઠકો હેઠળ આવતાં ગામોમાં નાની-મોટી સભાઓ, લોકસંપર્ક સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાજપના ચૂંટણી પ્રચારમાં હજી સુધી રાજ્યકક્ષાના મોટા ગજાના કોઈ નેતા જોડાયા નથી. અલબત્ત, ચૂંટણીના પાછલા દિવસોમાં ભાજપના નેતાઓ અબડાસામાં સભાઓ ગજવશે. હાલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રચારકાર્ય ચાલુ છે. તા.પં.ની 18 સીટ પર ઈન્ચાર્જ નીમાયા છે. ચૂંટણી પ્રચારમાં પરેશસિંહ જાડેજા, ગરડા વિસ્તારના અનુભા જાડેજા, વાડીલાલ પટેલ, મહેશ ભાનુશાલી, કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પરેશ ભાનુશાલી, મૂળરાજ ગઢવી, અલાના સુમરા વગેરે ભાજપના પ્રચારમાં ગામડે-ગામડે વ્યસ્ત છે. ભાજપના પ્રચારમાં મર્યાદિત વાહનો દોડી રહ્યાં છે. વિજયનો દાવો ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ પ્રફુલ્લસિંહ જાડેજાએ અબડાસા તા.પં.ની 18 અને જિ.પં.ની તમામ બેઠકો પર ભાજપ વિજય મેળવી ઈતિહાસ સર્જશે તેવો દાવો કર્યો હતો. જેના કારણમાં તેઓ કહે છે કે ભાજપનો વિકાસ ગામડે ગામડે પહોંચ્યો છે. એટલું જ નહીં તમામ વર્ગ અને નાના માણસોની પણ ભાજપે ચિંતા સેવી છે. ગામડે-ગામડે સરકારી યોજનાઓ પહોંચી છે. જેનો લાભ આમ વર્ગ અને વંચિતોને પણ મળ્યો છે. જેના કારણે ભાજપને ઝળહળતી ફતેહ મળશે એવા દાવા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટાયા પછી મતદારો અને વિસ્તાર માટે શું કરશો ? તેના પ્રત્યુત્તરમાં તેઓ કહે છે કે બાકી કોઈ કામો હશે તો તેને પૂરાં કરવાને પ્રથમ અગ્રતા આપશે અને મતદારોના કોઈ પ્રશ્નો હોય તો ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉકેલવા અગ્રતા આપશે તેવું તેમણે જણાવ્યું હતું. અપક્ષ જૂથનો દાવો ટિકિટ ફાળવણીના મુદ્દે અસંતોષ થતાં ભાજપના આગેવાન મહેશોજી સોઢાએ બે જિ.પં. બેઠક અને ચાર તા.પં. બેઠક પર ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવાર ઊભા રાખ્યા છે. તેમણે તમામ બેઠકો પર અપક્ષોના વિજયનો દાવો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના 3 ટર્મથી વિજેતા બનેલા, પક્ષનો હોદ્દો ધરાવનાર તેમજ તેમના કુટુંબીજનો, 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં આપવાના માપદંડનું ચુસ્ત પાલન થયું નથી અને આ નિયમ માત્ર પોતાને જ લાગુ પડયો હોય તેમ ભાજપની માર્ગદર્શિકાનું ઘણા સ્થળે પાલન ન થતાં પોતે અપક્ષ જૂથ રચ્યું હોવાનું જણાવ્યું હતું. તેમના ઉમેદવારો વિજેતા બનશે તો શું કરશો ? તેના પ્રત્યુત્તરમાં `ભાજપને તો ટેકો કોઈ કાળે નહીં આપું' તેવું જણાવી પોતે બે દાયકાથી તા.પં.માં ચૂંટાતા આવ્યા છે. જેના અનુભવનો લાભ અબડાસાને આપવાની સાથે-સાથે તાલુકાના વિકાસ અને લોકોના પડખે ઊભા રહેવાનો કોલ આપી ઊભા રાખેલ અપક્ષના તમામ ઉમેદવારોના નિશ્ચિત વિજયનો દાવો કર્યો હતો. અબડાસામાં કશ્મકશ અબડાસાની ચૂંટણીમાં મુસ્લિમોનું સમીકરણ મુખ્યત્વે કોંગ્રેસ સાથે રહે તો દેખીતી રીતે જ તેનો ફાયદો કોંગ્રેસને મળે, અલબત્ત પંદરથી વીસ ટકા જેટલા મત લઘુમતીના ભાજપ મેળવી જાય તો તેનું પલ્લુ ભારે થતાં કોંગ્રેસના હોઠે આવેલો પ્યાલો ઢોળાઈ જાય. એ ખરું છે કે હનીફબાવા પઢિયારનું વજન કોંગ્રેસ સાથે છે અને તેઓ કોંગ્રેસને જીતાડવા ગામડાઓ ખૂંદી રહ્યા છે. તેમણે એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં દસેક ટકા લઘુમતીના મત ભાજપ ખેંચી જાય તેમ છે. તેમ છતાં ભાજપના આંતરકલહ ઉપરાંત અપક્ષ ઉમેદવારનું સમીકરણ કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. આમ તો લઘુમતીના મતો અવારનવારની ચૂંટણીમાં કોઈ એક પક્ષના બદલે ફરતા રહ્યા છે. પરિણામે ચૂંટણીનો અંદાજ કાઢવા રાજકીય પંડિતો પણ મૂંઝવણમાં મુકાયા છે. એટલે અબડાસાની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ જીતી શકે છે. તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ તબક્કે ચાલુ માસની 28મીએ યોજાનારી ચૂંટણીની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. 159 બૂથ પર 1145 જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજ સંભાળશે. 30 જેટલા પોલિંગ બૂથને સંવેદનશીલ જાહેર કરવા દરખાસ્ત કરાઈ છે. આ ચૂંટણી ફરજ દરમ્યાન મોટાભાગના કર્મચારીઓ અબડાસામાં જ ફરજ બજાવે છે. 1040 કર્મચારીઓ અબડાસાના છે. ખૂટતા કર્મચારીઓમાં 65 કર્મચારી ભુજથી, 40 કર્મચારી લખપતમાંથી બોલાવવામાં આવશે. ચૂંટણીને હજી સમય હોતાં મતદારોમાં ઝાઝો ઉત્સાહ નથી. અલબત્ત છેલ્લી ઘડીએ સ્થાનિક ચૂંટણી હોતાં મતદારો હોંશે-હોંશે આ લોકશાહીના પર્વમાં ભાગ લેશે તે નિશ્ચિત છે. ફોટો મતદાર યાદી અમલમાં હોતાં મહદ્અંશે બોગસ મતદાન પર રોક આવી છે. જોકે, ક્યાંક ને ક્યાંક બોગસ મતદાનના છમકલાં થતાં હોય છે. જોકે, બોગસ મતદાનનું પ્રમાણ વધે તો કોઈ એક પક્ષને ફાયદો અચૂક થાય તેમ છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer