રાપર તાલુકામાં નર્મદાનાં નીર ભાજપ સરકારની દેન

રાપર તાલુકામાં નર્મદાનાં નીર ભાજપ સરકારની દેન
રાપર,તા. 22 : કોંગ્રેસને મત એટલે વિકાસને નહીં, વિનાશને મત. ગુજરાતમાં જયારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે વાગડમાં લોકોના ઘરમાં દવાની બોટલમાં તેલના દીવા બળતા હતા, બજારમાં ફાનસ બળતાં હતાં. હવે ફાનસ ગાયબ થઈ ગયાં છે. વાગડમાં ચારે બાજુ પાણી-પાણી છે તે ભાજપ સરકારની દેન હોવાનું પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાપર તાલુકાની ભીમાસર અને ફતેહગઢ જિલ્લા પંચાયત બેઠક ખાતે સભાને સંબોધતા જણાવ્યું હતું. મતદારોને મળવા આવ્યો હોવાનું કહી તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે મેટલના રસ્તા હતા, આજે ચારેકોર પાકા રસ્તા છે. પાણી હોય તો ધરતીમાં સોનું પકવવાની તાકાત ધરાવતા ખેડૂતોને પાણી મળી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ રહી અને ચારે કોર પાણી પાણી છે. કોંગ્રેસના નેતાઓ આવે તો તેના કારનામા તેમને જણાવજો તેમ કહી ભીમાસર ફતેહગઢ જિલ્લા પંચાયત બેઠક અને તાલુકા પંચાયતના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા અને જ્ઞાતિ જાતિથી પર રહી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી. તેમણે જિલ્લા પંચાયતમાં 34 બેઠક જીતવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ કેન્દ્ર સરકારે આપેલા વચનો પૂરાં કર્યાં છે ત્યારે તેના ઉપર મહોર લગાડવા મતદારોને અપીલ કરી હતી. આ વખતે પરિણામ કલ્પના કરતાં પણ વધુ સારું આવશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. બળવંતભાઈ ઠક્કર, આડેસર તાલુકા પંચાયતના ઉમેદવાર દક્ષાબેન સોમાભાઈ રબારી, ભગાભાઈ, દેવજીભાઈ વરચંદ વિગેરેએ પ્રાસંગિક વકતવ્ય આપ્યા હતાં. આ વેળાએ મુન્દ્રા માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસથી કાનાભા કલ્યાણભા ગઢવી તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ મહામંત્રીએ સૌને ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ વેળાએ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, રાપરના ઝોન પ્રભારી અને અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન વલમજી હુંબલ, ઉદ્યોગપતિ અંબાવીભાઈ વાવીયા, રાજભાઈ બારી, તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયા, કેશુભા વાઘેલા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોલરરાય ગોર, કુંભાભાઈ ચાવડા, દાનાભાઈ મનુભાઈ બાવડા, ભીમાસર જિલ્લા પંચાયતના ઉમેદવાર કંકુબેન ભગાભાઈ મરંડ, ફતેહગઢ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વણવીરભાઈ રાજપૂત, તાલુકા પંચાયતના ઉમેદવારો મોહન બાયડ, કાનજી ભીમા કોલી, હીરૂબેન રબારી, જયદિપસિંહ જાડેજા, રાણીબેન ગારીયા, કેશરબાઈ બગડા, ભાવેશ પટેલ, વેલાભાઈ સિંઘવ, બકુલ ઠાકોર વિગેરે હાજર રહ્યા હતા.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer