નખત્રાણા સુપાર્શ્વનાથ જિનાલયના 177મા સ્થાપનાદિનની ઉજવણી

નખત્રાણા સુપાર્શ્વનાથ જિનાલયના   177મા સ્થાપનાદિનની ઉજવણી
નખત્રાણા, તા. 19 : અહીં જૈન શેરીના પ્રવેશદ્વારે આવેલા શ્રી સુપાર્શ્વનાથ જિનાલયની 177મી સાલગિરાની ઉમંગ- ઉત્સાહ સાથે ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. વસંત પંચમીના સપરમા દિવસે આ નગરમાં 177 વર્ષના પ્રાચીન દેરાસરજી જિનાલયની પ.પૂ. મ.સ. કમલપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સા. હિતદર્શિતાશ્રીજી મ.સા. તથા પૂ. સા. પુણ્યદર્શિતાશ્રીજી મ.સા.ની નિશ્રામાં વિવિધ અનુષ્ઠાનોથી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી પ્રસંગે પ્રભુજી સાથે ધ્વજાની રજવાડી શોભાયાત્રા, જિનાલયમાં પ્રભુજીના અઢાર અભિષેક મહામંત્રો સાથે કરવામાં આવ્યા હતા. તો રાત્રે પ્રભુભક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધ્વજારોહણના લાભાર્થી માતા શાંતાબેન મણિલાલ શેઠ તરફથી ત્રણ સમયની સાધર્મિક ભક્તિનો લાભ લેવાયો હતો. તપગચ્છ અધિષ્ઠાયક શ્રી મણિભદ્રવીરની ધ્વજારોહણનો લાભ મહેતા નટવરલાલ હંસરાજભાઈ પરિવારે લીધો હતો તેમજ સવારની નવકારશીનો લાભ માતા હસવંતીબેન નટવરલાલ મહેતા પરિવારે લીધો હતો. જિનાલયની 177મી વર્ષગાંઠ તેમજ ધ્વજારોહણના કાર્યક્રમમાં અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. જૈન સંઘ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે દેશ-દેશાવરથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. 177મા ધ્વજારોહણ કાર્યક્રમને ટ્રસ્ટીઓનું માર્ગદર્શન સહ દરેક યુવાનોએ જુસ્સાથી જહેમત ઉઠાવી હતી. ભોજન સમિતિ, શોભાયાત્રા, શણગાર, પ્રભુજીના અઢાર અભિષેક, પૂજા સમિતિના કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહથી કર્યા સાથે સહયોગ આપ્યો હતો. બંને લાભાર્થી પરિવારોને નખત્રાણા સમસ્ત જૈન સંઘ તરફથી મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, તેવું જૈન સંઘ વતી નરેન્દ્ર ત્રંબકલાલ મહેતાએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer