કચ્છની ઉત્તરીય સરહદના અંતિમ ગામના નાગરિકોને વનતંત્રની નીતિ-રીતિ સામે રોષ

કુરન (તા. ભુજ), તા. 22 : તાલુકાના ઉત્તરીય સરહદના અંતિમ ગામ કુરન ખાતે જંગલ માપણીમાં વન અધિકારી કર્મચારી દ્વારા ધાકધમકી અને અન્યાય થયો હોવાની જિલ્લા કલેક્ટરને ગ્રામ પંચાયતે ગ્રામજનોની સહી સાથેના પત્ર દ્વારા ફરિયાદ કરી હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે કુરનના વિસ્તારને વનવિભાગ દ્વારા સને 1985-86માં ગામતળ ગામની સીમ તથા ચરિયાણ વિસ્તાર તમામને અભયારણ્ય તરીકે જાહેર કરાયૃં છે. જેની જાણ આજ સુધી પંચાયત તથા ગ્રામજનોને કરવામાં આવી નથી. અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ઘુડખર માટે અભ્યારણ્ય છે તે અહીં કયાંય જોવા મળતું નથી અને અન્ય જંગલી પશુઓ પણ અહીં ગામ કે સીમમાં નથી. સાથે વન વિભાગ દ્વારા અભ્યારણ્ય વિસ્તારના કાયદા જોગવાઈઓ નિયમોનું કોઈ પ્રકારનું જ્ઞાન પંચાયત કે આમ નાગરિકોને ક્યારે આપવામાં આવી નથી. જેથી અજાણતા આ વિસ્તારના લોકો કોઈ સામાન્ય નિયમ કે કાયદાનો ભંગ કરે તો પણ તેના સામે પગલાં ભરાય છે તે વાહન અને માણસોની અટકાયત કરી કેસ કરવામાં આવે છે. હાલમાં વન ખાતાના અધિકારી હિતેશ ચૌધરી દ્વારા ગ્રામજનોને ફોન કરી સર્વે કરવાનો છે. ગામની જંગલ વિસ્તારની જમીન માપણી કરવા માટે જણાવેલું તેનો ગ્રામજનો તથા આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવતાં તેમણે બળજબરીપૂર્વક ધાકધમકી કરી ગ્રામજનોને ડરાવવાનું કૃત્ય કર્યું છે. વન વિભાગના અધિકારી દ્વારા અમારા વિસ્તારમાં કહેવાતા કેટલાક કામો કર્યા છે જેની જાણ કે પંચાયતની સહમતી લેવાની તસ્દી સુદ્ધાં નથી લેવામાં આવી. પંચાયતની સહમતી વગર અને જાણ બહાર કામોમાં ખૂબજ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કામની ગુણવતા ખૂબજ હલકી તથા ઉતરતી કક્ષાની છે અને જે કહેવાતા કામો થયા તે કોઈ ઉપયોગી પણ નથી. આ બાબતે કુરન ગ્રામ પંચાયત દ્વારા મા. હાઈકોર્ટમાં કેસ દાખલ કરાયો છે જેની સુનાવણી ચાલુમાં છે. જેથી ગામતળ કે સીમમાં વન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના કામ કે સર્વે ન કરવામાં આવે તેવી માગણી છે એ જો કામો થશે તો વનવિભાગના અધિકારી કર્મચારી સામે વિરોધ કે સંઘર્ષ થવાની પૂરી શક્યતા હોવાનું સરપંચે ઉમેર્યું હતું. વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે આ બાબતે ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. આના કારણે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને હિજરત કરવા મજબૂર બનશે. નિષ્પક્ષ અને ભયમુક્ત ચૂંટણી પૂર્ણ થાય તે માટે આ બાબતનું નિરાકરણ લાવવા અનુરોધ કરાયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer