કચ્છના 419 મતદાન મથકો સંવેદનશીલ, 19 વધુ જોખમી

ભુજ, તા. 22 : કચ્છની જુદી જુદી પંચાયતી રાજની બેઠકોની ચૂંટણી માટે આગામી 28મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, ત્યારે જિલ્લાનાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાતાઓ માટે 1895 મતદાન મથક નક્કી કરવામાં આવ્યાં છે, પરંતુ 19 બૂથને અતિસંવેદનશીલ ગણવામાં આવ્યાં છે, જ્યારે સંવેદનશીલ હોય, તેવાં 419 કેન્દ્ર તારવવામાં આવ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની મળીને કુલ 440 બેઠકના ઉમેદવારો ચૂંટવા ચાલતી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આગામી રવિવારે મતદાન થવાનું છે. જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની બેઠકો માટે 1895 મતદાન મથક નક્કી કરવામાં આવ્યાં છે. ચૂંટણી વિભાગના મામલતદાર રાહુલ ખાંભલાના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકામાં જિલ્લા-તાલુકા પંચાયતના 278 બૂથ છે, તેમાંથી 61 મતદાન મથક સંવેદનશીલ અને 1 બૂથ અતિ સંવેદનશીલ છે. એવી જ રીતે, ભુજ નગરપાલિકાના 132 મથકોમાંથી 33 સંવેદનશીલ, જ્યારે અતિ સંવેદનશીલ મથક શહેરમાં એક પણ નથી. સૌથી વધુ ધ્યાન આપવા જેવાં મથકો રાપર તાલુકામાં છે. રાપર તાલુકાનાં 177 મથકમાંથી 57 સંવેદનશીલ બૂથ છે, ત્યાર પછી ગાંધીધામનો વારો આવે છે. ગાંધીધામ તાલુકામાં માત્ર 52 બૂથ છે, તેમાંથી 13 તો અતિ સંવેદનશીલ છે. આ રીતે જોઇએ, તો આખાય જિલ્લામાં 1895 બૂથમાંથી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મળીને 438 મતદાન મથક નક્કી કરવામાં આવ્યાં છે, જ્યાં મતદાનના દિવસે ચુસ્ત અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બહારથી આવનારી સલામતી રક્ષકોની ટુકડીઓ પણ આવાં બૂથો ઉપર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવશે. આ તો થઇ મતદાન મથકોની વાત. હવે આ ચૂંટણીમાં કેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, એ જાણવા નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, 15,69,319 મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરવાના છે. આ વખતે સૌથી વધુ મતદાતાઓ યુવા વયવાળા છે. 30થી 39 વર્ષની આયુ ધરાવનારાઓની સંખ્યા કચ્છમાં 403722 છે અને પ્રથમ વખત મતદાન કરવાના છે એવા 18થી 19 વર્ષવાળાની સંખ્યા 38,324 છે. જ્યારે 20 વર્ષથી 29 વર્ષવાળા યુવાનોનો આંક 3,42,695 છે. 40 વર્ષથી વધુ અને 40થી 49 વર્ષવાળા મતદારોની સંખ્યા 3,09,056 છે. માત્ર યુવાનો નહીં, મોટી ઉંમરવાળાનો આંકડો પણ ઊંચો છે. જિલ્લામાં આઠ દાયકા વટાવી ચૂકેલા વરિષ્ઠ મતદારો કેટલા છે, એ જાણવા પ્રયાસ કર્યો હતો. આવા સિનિયર સિટીઝન મતદાતાઓ 35,751 હોવાનું જાણવા મળ્યું હતું. કુલ 15,69,316 મતદાતાઓની આ સંખ્યા 1લી જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે, જેમાં પાંચ લાખથી વધુ મતદારો શહેરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. બાકીના ગ્રામ્ય વિસ્તારના છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer