અંજારમાં સૌર ઊર્જા અંગેનો તાલીમ શિબિર યોજાયો
આદિપુર, તા. 22 : અહીંની તોલાણી પોલીટેકનિક કોલેજના સીડીટીપી વિભાગ અને ગુજરાત માટીકામ અને ગ્રામ ટેક્નોલોજી સંગઠનના સંયુક્ત ઉપક્રમે સૌર ઊર્જા સંબંધિત એક તાલીમ શિબિર યોજાયો હતો. અંજારની આઇટીઆઇ ખાતે યોજાયેલા સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશનના એક માસના શિબિરમાં અંજાર, નાગલપર, પાંતિયા, આંબાપર અને વીરાના ત્રીસ જેટલા તાલીમાર્થીઓ જોડાયા હતા. શિબિરના સમમાપન પ્રસંગે સહસંયોજક પ્રો. હાર્દિક મકવાણાએ જણાવ્યું હતું કે, હાલે ઊર્જાની કટોકટીમાં સૌર ઊર્જા તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, અને વધુ ને વધુ તેનો ઉપયોગ કરે એ સમયની માંગ છે. તેના ઉપકરણોનું સ્થાપન, વિકાસ, મરામત અને જાળવણીમાં રોજગારીની વિશાળ તકો રહેલી છે. જેમાં આવા શિબિરો ઉપયોગી નીવડે છે. આઇટીઆઇના આચાર્ય બકુલ ખંડવીએ આ પ્રવૃત્તિ બિરદાવી હતી. વ્યાખ્યાતા ગોપાલ જરૂએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મીત પરમાર, પ્રશાંત પ્રજાપતિ, કોલેજના સીડીસી નયના ભટ્ટ, દીપાલી સોની વગેરેએ આયોજન સંભાળ્યું હતું. આભારવિધિ ચેતનાબેન ડોડીઆએ કરી હતી. તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અપાયા હતા. તેમણે આ શિબિરને રોજગારલક્ષી ગણાવી સરાહના કરી હતી.