ઈંગ્લેન્ડે સર્જ્યો ટેસ્ટ ઈતિહાસનો વિક્રમ

નવી દિલ્હી, તા. 25: ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં એવું થયું જે આ પહેલા કયારેય કોઈ ટેસ્ટ મેચ દરમિયાન થયું નથી. ગોલમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં શ્રીલંકાની ટીમ ખાસ રીતે ઓલઆઉટ થઈ. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાએ 381 બનાવ્યા જ્યારે બીજી ઈનિંગમાં માત્ર 126 રન પર આઉટ થઈ ગઈ હતી. 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં આવું પ્રથમ વાર થયું જ્યારે કોઈ ટીમની તમામ વિકેટ એક પ્રકારના બોલરોએ હાસિલ કરી. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોએ પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાને ઓલઆઉટ કર્યું. જ્યારે બીજી ઈનિંગની બધી વિકેટ સ્પિનરના ખાતામાં ગઈ હતી. આ પહેલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આમ કયારેય થયું નથી. 38 વર્ષના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. તે કોઈ ટેસ્ટની એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર વિશ્વનો સૌથી મોટી ઉંમરનો બોલર બન્યો છે. તેણે 29 ઓવરોમાં 40 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડને ત્રણ અને સેમ કરનને એક વિકેટ મળી હતી. આ ત્રણેય ફાસ્ટ બોલર છે અને તેણે શ્રીલંકાની ઈનિંગની 10 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની બીજી ઈનિંગમાં ડોમ બેસ અને જેક લીચ તરખાટ મચાવ્યો અને લંકન ટીમ માત્ર 126 રનમાં ખખડી ગઈ હતી. બેસે 16 ઓવરમાં 49 રન આપીને 4 જ્યારે લીચે 14 ઓવરમાં 59 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જો રૂટે બે વિકેટ હાંસિલ કરી હતી. બીજી ઈનિંગમાં બધી 10 વિકેટ સ્પિન બોલરોને મળી જે એક રેકોર્ડ છે.