શાર્દુલ સાથે મળીને ચોક્કસ રણનીતિ બનાવી, એટલે સફળતા મળી : સિરાઝ

નવી દિલ્હી, તા.2પ: બ્રિસબેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન અને કેમરન ગ્રીન સામેલ હતા. જેમાં ગ્રીન તેનો ચોથો ટેસ્ટ રમી રહ્યો હતો. આ ચારેયના કુલ ટેસ્ટનો અનુભવ 2પ4 મેચનો હતો. આ સામે ભારતના મોહમ્મદ સિરાઝ, નવદિપ સૈની, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને વોશિંગ્ટન સુંદરનો કુલ અનુભવ ફક્ત 9 ટેસ્ટ મેચનો હતો. ભારતના બોલિંગ આક્રમણનો અનુભવ ભલે ઓછો હતો પણ મનોબળ મજબૂત હતું. આ ઉપરાંત આ માટે ખાસ રણનીતિ પણ બનાવી રાખી હતી. જે વિશે મોહમ્મદ સિરાઝે જણાવ્યું કે અમે બન્ને છેડેથી દબાણ બનાવી રાખવાનું નકકી કર્યું હતું. શાર્દુલ અને મેં સાથે બેસીને યોજના બનાવી હતી કે અમે તેમનાં પર દબાણ કેવી રીતે બનાવશું. ચોક્કસ અમે પણ દબાણમાં હતા, કારણ કે ટીમના અનુભવી બોલરો ઇજાનો ભોગ બની ચૂક્યા હતા.