ગુજરાત આખાની ઠંડી નલિયામાં

નલિયા, તા. 25 : કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષાની અસરવાળા ઠંડાગાર પવનો આખેઆખું ઉત્તર ભારત ચીરીને છેક છેવાડાના રણપ્રદેશમાં પહોંચી આવતાં `કચ્છનું કાશ્મીર' નલિયા 4.1 ડિગ્રી સેલ્સિયસ ઠારમાં થરથર્યું હતું. સોમવારે શીતસકંજો વધુ તીવ્ર બન્યો હતો અને ગુજરાત આખાની ઠંડી નલિયામાં પડી હતી. હજુ પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી છે. નલિયામાં ઠરી ગયેલા પારાએ જાણે જનજીવનને થીજવી દીધું હતું. દિવસે તડકાનેય મચક ન આપતાં ટાંઢોડાંથી બચવા ગ્રામીણોએ અગ્નિ દેવતાનો આશ્રય લેતાં ચોમેર રાત્રે તાપણાં સભાઓ ભરાઇ હતી. હવામાં ભેજનું પ્રમાણ સાવ નામ પૂરતું જ રહેતાં સૂકા ઠારમાં ઠૂંઠવાતા લોકોમાં ઉધરસ, શરદી, કફ, તાવ, માથું દુ:ખવું, કાનમાં સટકા પડવા જેવી તકલિફોનાં પ્રમાણમાં વધારો થયો હતો. ઊની વત્રોથી માંડીને વસાણાં જેવી `મોસમી' બજારમાં `ઠંડી પ્રેરિત ગરમી' જોવા મળી હતી. ખાસ તો `ઉપર આભ, નીચે ધરતી'ની દયનીય દશામાં કાચાં ઝૂંપડાઓમાં જીવવાની લાચારી વેઠતા શ્રમજીવી પરિવારોની કોલ્ડવેવે કફોડી સ્થિતિ કરી હતી. કંડલા એરપોર્ટ પર 7.4 ડિગ્રી સાથે અંજાર, વરસામેડી સહિત ભાગો, ખાવડામાં 7 ડિગ્રીએ રણકાંધી, રાપરમાં આઠ ડિગ્રી ઠારથી વાગડ પંથકમાં લોકો થરથર્યા હતા. આમ, સૂરજબારીથી સરહદ સુધી શીતલહેરે કચ્છને શીતાગારમાં ફેરવી નાખ્યું હતું. જિલ્લામથક ભુજમાં પણ 10.6 ડિગ્રી સાથે શહેર ઠર્યું હતું. ગાત્રો ગાળતા ઠાર સામે સાવધાન રહીને કાન, માથું અને પગનાં તળિયાં ખુલ્લાં નહીં રાખવાની સલાહ તબીબી જગત આપી રહ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer