આધોઇના કાસમભાઈએ બે ભૂકંપની ભયાનકતા અનુભવી છે

રામજી મેરિયા દ્વારા ચોબારી, તા. 25 : ભૂકંપની ગોઝારી ઘટનાને બે દાયકા જેટલો સમય વિત્યો પરંતુ જાણે કે, હજુ તો ગઇકાલે જ આ ઘટના ઘટી હોય તેમ 26મી જાન્યુઆરી નજીક આવેને પોતાના સ્વજનો ગુમાવનારા ભૂતકાળમાં સરી પડે ને પાછા સ્વસ્થ બની રૂટિન કાર્યમાં લાગી જાય. વાત છે ભચાઉ તાલુકાના આધોઇ ગામના 77 વર્ષીય નિવૃત્ત આચાર્ય કાસમ ઉમર ખલીફાની. 26મી જાન્યુઆરી 2001 બાદ પોતે શિક્ષક પદેથી નિવૃત્ત થવાના હોઇ તે દિવસે ગામમાં પંચાયત ઘરમાં પોતાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાવાનો હતો, તેથી તાલુકા વિકાસ અધિકારીને નિમંત્રણ આપીને કહ્યું હતું કે, સાહેબ, મારાં ગામમાં આપ પધારજો, મારા માટે આ છેલ્લું ધ્વજવંદન છે. બાળકો ગામમાંથી રેલી લઇને આવતાં હતાં. સાંકડી બજાર, કાચા પાકા મકાનો, આ વાત વર્ણવતાં કાસમભાઇ કહે શાળાના ઉપરના માળે આગેવાનો સૌ એકત્ર થયા હતા ને ભૂકંપે હચમચાવ્યા. 1956નો ભૂકંપ જોયો હતો ને ત્યારે પાંચમા ધોરણમાં ભણતો હોવાથી બધું યાદ છે. એ સમયે બાપુજીએ કહ્યું હતું કે, ધરતીકંપ આવે તો બારણા પાસે નીકળી જવું એ યાદ હતું તેથી દોડીને બારણે પહોંચ્યો તેથી બચી ગયો અને અનેક લોકો દટાયેલા તેમને બહાર કાઢ્યા. શાળાની પાંત્રીસ બાળાઓ અને દશ બાળકો રેલીમાં જ દટાઇ ગયાં હતાં. સૌને બહાર કાઢ્યા બાદ ઘર તરફ દોટ મૂકી. પત્ની, 20 વરસની દીકરી અને હજુ સુધી જેની લાશ નથી મળી તેવા ભાઇ અને દીકરાના દીકરા (પૌત્ર)ને ગુમાવવાનું દુ:ખ વ્યકત કરતાં ભારે હૃદયે ભાવુક બનીને કહ્યું કે, એટલું જ નહીં, અમારા ત્રણ ભાઇઓના પરિવારમાંથી 17 લોકોને ભૂકંપમાં ગુમાવ્યા છે, પણ ભારત દેશના ભાવિ એવાં ભૂલકાંઓનું ભવિષ્ય પણ મારી જવાબદારી હતી તેથી આ બધું દુ:ખ દફનાવીને શાળાનાં શૈક્ષણિક કાર્યમાં જોડાયો. આચાર્ય ઉપરાંત તાલુકાના એ.ડી.આઇ.ની જવાબદારી પણ હતી. આથી શિક્ષણકાર્યમાં મન પરોવીને સ્વજનોને ભૂલવા મથામણ કરી પણ 26મી જાન્યુઆરી આવે એટલે બધું જ નજર સામે આવી જાય છે. કાસમભાઇ આજેય આધોઇ ગામમાં નવનિર્મિત મહારાષ્ટ્ર સરકાર દ્વારા અંગિકૃત શાહુનગરમાં રહે છે અને આજેય નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત બની ગામના શિક્ષણકાર્યમાં કે સામાજિક કાર્યમાં હંમેશાં અગ્રેસર રહીને પોતાની માનવીય ફરજ નિભાવે છે. આ વીસમી વરસી ટાણે અનેક ભૂકંપગ્રસ્તો સ્વસ્થ થઇ ગયા, સઘળું સમુસૂતરું પાર પડયું, પરંતુ એ ગોઝારી ઘટના તો જીવનકાળ સુધી કેમ ભૂલી શકાય ? કાસમભાઇ કહે છે ગામ તો હતું એના કરતાંય સવાયું બની ગયું અને શૈક્ષણિક સંકુલો પણ બન્યાં. ગામમાં ઉચ્ચ માધ્યમિક શાળા બની, અનેક સંકુલો અને ગામના પાકા રોડ રસ્તાઓ વગેરે વિકાસનું ઉદાહરણ છે.