અફસોસ... 30 કરોડ ખર્ચાયા છતાંય ઘોરાડ વિલુપ્ત

ગિરીશ જોશી દ્વારા ભુજ, તા. 21 : આટલાં મોટાં ભારતવર્ષમાં અલભ્ય એવાં 130 ઘોરાડ પક્ષી વિચરી રહ્યાં છે ત્યારે દેશના છેવાડે કચ્છ પાસે પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એવાં આ વિલુપ્ત થવાને આરે ઊભેલાં સોહામણા પક્ષી કુદરતની એક ભેટ છે. અબડાસામાં જાહેર કરાયેલાં ઘોરાડ અભયારણ્યમાં માંડ 5 થી 8 માદા પક્ષી બચ્યાં હોવાનું કહેવાય છે, દેખાતાં નથી. ભારત સરકારે ઘોરાડના બચાવ અને સંવર્ધન માટે ખાસ પ્રકારની નાણાકીય યોજના જાહેર કરી હોવાથી કચ્છમાં ઘોરાડને બચાવવા કેટલાં નાણાં ખર્ચાયાં છે તે બાબતો પણ રસપ્રદ છે. અબડાસાના લાલા-બુડિયા વિસ્તારમાં 700 ચો.મી. એટલે કે 202 હેક્ટરને 1990માં ઘોરાડ અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું છે. ચાર વર્ષ પહેલાં કચ્છના એકમાત્ર અને ભારતમાં મહત્ત્વાકાંક્ષી એવાં ઘોરાડ અભયારણ્યમાં 37 પક્ષીઓની સંખ્યા હતી તે ઘટીને 5 થી 8 થઇ ગઇ હોવાનું ખુદ વનતંત્ર તરફથી જાણવા મળ્યું છે, પણ સ્થાનિકો કહે છે એક જ પક્ષી (માદા) બચ્યું છે અને તે પણ દેખાતું નથી. સમગ્ર વિશ્વમાં લુપ્તપ્રાય: થતાં આ પક્ષીઓની ભારત પાસે ભેટ છે ત્યારે તેને બચાવવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગત રસ દાખવ્યો છે અને ભારત સરકારનાં પર્યાવરણ મંત્રાલયે ઘોરાડને બચાવવા ખાસ યોજના બનાવી છે. કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ એક વર્ષ પહેલાં આપેલી માહિતીમાં જણાવાયું હતું કે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ માટે પાંચ વર્ષ માટે રૂા. 33.85 કરોડ રૂપિયાના ખર્ચે યોજના બનાવી છે અને આ પક્ષીને બચાવવા નાણાં ફાળવાયાં છે. કચ્છમાં જાહેર થયેલાં ઘોરાડ અભયારણ્ય વિસ્તાર માટે પણ દર વર્ષે મોટી ધનરાશિ ફાળવવામાં આવે છે, છતાં અફસોસ એ વાતનો છે કે 18 કિલોનું વજન ધરાવતાં આ પ્રજાતિનાં પક્ષીઓની સંખ્યામાં વધારો થવો જોઇએ તેના બદલે ઘટાડો થયો છે અને નહિવત્તાના આરે છે. સમગ્ર દુનિયામાં સૌથી વજનદાર છતાં ઊડી શકે છે તેવાં અજોડ ભેટ સમાન આ મહાકાય પક્ષીનાં જતન માટેના વિસ્તારને વધારવાની 2017માં રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. 202 હેક્ટરને બદલે 3700 હેક્ટર ભૂમિ અભયારણ્ય માટે વધારવાની દરખાસ્ત કરાઇ ત્યારે એ સમયના પશ્ચિમ કચ્છના ડી.એફ.ઓ. લલિત પરમારે જણાવ્યું હતું કે, દર ચાર મહિને ઘોરાડની ગણતરી કરવામાં આવે છે. અગાઉ કરતાં સંખ્યા વધી છે અને સંખ્યા અત્યારે 37 છે. હાલની સ્થિતિ શું છે ? આ મુદ્દે એ.સી.એફ. તુષાર પટેલનો સંપર્ક સાધ્યો તો તેમણે જણાવ્યું કે, અત્યારે સંખ્યા 5 થી 8 છે અને તે તમામ માદા છે. ભારત સરકાર તરફથી આ શિડયૂલ્ડ વનમાં સમાવિષ્ટ પક્ષીનાં જતન માટે ગ્રાન્ટ મળે છે એ મુદ્દે તેમણે કહ્યું કે હા, દર વર્ષે અંદાજે એકાદ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. 1990થી અભયારણ્ય વિસ્તાર જાહેર થયા પછી 30 વર્ષમાં તો 30 કરોડ ખર્ચાઇ ચૂક્યા છે. સામે પક્ષીઓની સંખ્યા પણ ઘટી ગઇ છે. તેના કારણો જુદાં જુદાં હોવાનું કહ્યું હતું. ખરેખર કારણો તો અભયારણ્ય વિસ્તાર તેમાંય `ઇકો સેન્સિટિવ ઝોન' હોવા છતાં તેના નિયમોનું ક્યાંય કોઇ પાલન થતું નથી. સૌથી મોટું જોખમ હોય તો એ છે પવનચક્કીઓ. બરોબર અભયારણ્યને અડીને 1200 મીટરના અંતરે મહાકાય વિન્ડમિલ સ્થપાઇ હોવાથી પવનચક્કીની સતત ઘરઘરાટીના કારણે પક્ષીઓને મોટી ખલેલ પહોંચતી હોવાથી વિલુપ્ત થાય છે. આ વાતને ખુદ લાલા ગામના માજી સરપંચ આમદભાઇ સંઘાર જણાવી ચૂક્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે 7 પવનચક્કી નિયમોને નેવે મૂકી સ્થપાઇ છે. એક વખત અભયારણ્ય જાહેર કરાયા પછી પક્ષીઓને ખલેલ થાય તેવી પ્રવૃત્તિ પર મનાઇ હોય છે તો પવનચક્કીને કેમ નથી તેવા સવાલ પણ આ માજી સરપંચ તથા અનેક પક્ષીવિદ્દો, સંસ્થાઓએ કર્યો છે છતાં સૌ ચૂપ છે. અત્યાર સુધી 30 કરોડ ખર્ચાયા છે, તોય પવનચક્કી કેમ ઊભી થાય છે આ સવાલ સામે એ.સી.એફ. તુષાર પટેલ કહે છે કે વિન્ડમિલ અભયારણ્યથી દૂર છે. અગાઉ આવાં અલભ્ય રૂપકડાં બે પક્ષીઓનો પણ પવન-ચક્કીઓએ ભોગ લીધો હોવાનું ગ્રામજનો વારંવાર રટણ કરે છે પણ તેઓનું સાંભળે કોણ ?