ભુજના બોર્ડર વિંગના બે જવાનની મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદગી

ભુજ, તા. 25 : ગુજરાત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિને જાહેર કરાતા મુખ્યમંત્રી ચંદ્રકમાં ભુજમાં બોર્ડર વિંગમાં ફરજ બજાવતા બે જવાનની પસંદગી કરવામાં આવી છે. હોમગાર્ડઝ, બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળમાં માનદ સેવા સાથે ફરજ બજાવી નાગરિકોની સલામતી માટે પોલીસના પૂરકબળ બનતા વિવિધ દળ પૈકી બોર્ડર વિંગના ભુજની બટાલિયન-2માં ફરજ બજાવતા હવાલદાર-ક્લાર્ક પશાભાઈ ધનાભાઈ ઝાલા તથા નાયક તરીકે ફરજ બજાવતા નારાયણસિંહ ગોપાલસિંહ સોઢાની મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદગી કરાતાં બટાલિયનના કમાન્ડન્ટ પી. પી. ગોહિલ તથા સ્ટાફના સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે. 1989માં બટાલિયનમાં જોડાયેલા પશાભાઈની કાર્યશૈલી અને ફરજનિષ્ઠાને કારણે વર્ષ 2010માં નાયક ક્લાર્ક તરીકે બઢતી મળી હતી જ્યારે 1987માં પાર્ટ ટાઈમ ગાર્ડઝમેન તરીકે જોડાયેલા નારાયણસિંહને 1992માં નાયક તરીકે પદોન્નતિ થઈ હતી. આ બંને જવાન કચ્છ ઉપરાંત ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણીલક્ષી ફરજો બજાવી છે.