મેવાસા પાટિયા પાસે સ્વિફટ અને ટવેરા ભટકાતાં કારચાલકનું મોત

ગાંધીધામ-ભુજ, તા. 25 : રાપર તાલુકાના ચિત્રોડ નજીક મેવાસા ગામના પાટિયા પાસે સ્વિફટ કાર અને ટવેરા ભટકાતાં મેઘા સાના માદેવા ભુરાભાઈ પટેલનું મોત થયું હતું જ્યારે ટવેરામાં સવાર ચારેક લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે મુંદરામાં અજાણ્યા પુરુષની લાશ મળી હતી. મેવાસા ગામના પાટિયા પાસે ગત તા. 21-1ના સવારના ભાગે આ અકસ્માત સર્જાયો હતો. અંજારના તુણા વંડી ગામમાં રહેતા આ બનાવના ફરિયાદી અબ્દુલ જુમા ગાધ તથા અન્ય લોકો ટવેરા કાર નંબર જી.જે. 12-બી-એ-7633માં સવાર થઈ ઉંઝા ખાતે મિરાદાતાર દરગાહના દર્શન કરવા જઈ રહ્યા હતા. તેવામાં તેમને આ અકસ્માત નડયો હતો. સામેથી આવતી સ્વિફટ કાર નંબર જી.જે. 12-ડી.એસ. 3300ના ચાલક માદેવા પટેલે પોતાની કાર ઉપરથી કાબૂ ગુમાવી દેતાં ડિવાઈડર કૂદાવી સામેથી આવતી આ ટવેરા કારમાં તેમની સ્વિફટ કાર ભટકાઈ હતી. જેમાં આ ફરિયાદી અબ્દુલ ગાધ, મુસાભાઈ, રૂકશાનાબેન, અયુબભાઈને ઈજાઓ પહોંચી હતી. જ્યારે કાર ચાલક માદેવાભાઈ પટેલને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુંદરામાં અજાણી લાશ મળી આજે સવારે મુંદરાની ફર્ન હોટલ પાછળ બાવળની ઝાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળતાં આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. શોક લાગવાના કારણે આ અજાણ્યો પુરુષ મૃત્યુ પામ્યો હોવાની શક્યતા દર્શાવાઈ છે. જો કે, મોતનું ખરું કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ જાણી શકાશે. પોલીસ આ અજાણી વ્યક્તિ તથા મૃત્યુ પાછળના કારણ જાણવા તપાસ આદરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer