ભુજના જુગારધામ પર પોલીસ દરોડો

ભુજ, તા. 25 : શહેરની ભાગોળે આવેલી પાલારા જેલ પાછળ કોલીવાસમાં ધમધમતા જુગારધામ પર આજે પોલીસ ત્રાટકી હતી અને આઠ ખેલીને રોકડ રૂા. 56,700 અને આઠ મો. કિ. રૂા.34,500 તથા સાત વાહનો કિ. રૂા. 6,50,000 આમ કુલ રૂા. 7,41,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂ અને જુગારની બદી નેસ્ત-નાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ આજે જુગારધામ પર સફળ દરોડો પડયો હતો. બી-ડિવિઝન પીઆઇ એસ.બી. વસાવાની સૂચના મુજબ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. મયૂરસિંહ જાડેજાને ખાનગી-સચોટ બાતમી મળી હતી કે, પાલારા જેલની પાછળ કોલીવાસમાં સવા ભચુ કોલી પોતાના રહેણાંકના ઘરમાં બહારથી ખેલીઓ બોલાવી જુગારધામ ચલાવી રહ્યો છે. આ બાતમીના પગલે પીઆઇ શ્રી વસાવા, એએસઆઇ નિરુભા ઝાલા, હેડ કોન્સ. મયૂરસિંહ જાડેજા તથા કોન્સ. ભગીરથસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, મહિપાલસિંહ ગોહિલ તેમજ ઘનશ્યામસિંહ ડોડિયા અને મહિલા કોન્સ. કિરણબેન બાટવાએ દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા આરોપીઓ સવા ભચુ કોલી, ભરતભાઇ કેશવલાલ દવે, રાજેન્દ્રભાઇ મણિલાલ મીરાણી, દિનેશભાઇ સવાભાઇ કોલી, રાણાભાઇ શંભુભાઇ પરસોડા, દેવેનભાઇ હોથીભાઇ વડેસા, યુવરાજસિંહ ભગતસિંહ જાડેજા અને રણજિત સવા કોલીને ઝડપી લીધા હતા. આ ઝડપાયેલા ખેલીઓ પાસેથી કુલ રૂા. 7,41,200નો મુદ્દામાલ કબ્જે લઇ તેમના વિરુદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.