ડર વગર મતદાન કરવાના શપથ લેવાયા

ભુજ, તા. 25 : જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે ઉપકુલપતિ જયરાજાસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ સૌરભ સિંઘ હાજર રહ્યા હતા. યુવા મતદારો અને દિવ્યાંગ મતદારોને બેઝ આપી સન્માનિત કરવામાં આવ્યા તથા શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે મનીષ ગુરવાણી, મદદનીશ કલેકટર- ભુજ, મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે એ.બી મંડોરી, મામલતદાર -અંજાર અને નાયબ મામલતદાર તરીકે જે.ડી દરજીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યપાલની ઉપસ્થિતિમાં થયેલી રાજ્યકક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યુ હતું. મુકત અને ન્યાયી ચૂંટણી માટે કોઈપણ જાતની શેહ-શરમ, લોભ-લાલચ કે ડર વગર મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા. યુવા મતદારોને ઉપકુલપતિ તેમજ કલેકટર દ્વારા માર્ગદર્શન તેમજ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં નેહરુ યુવા કેંદ્ર સંગઠન, રાષ્ટ્રીય સેવા યોજના, રાષ્ટ્રીય છાત્ર સેના, નવચેતન અંધજન મંડળ માધાપર-ભુજ જેવી સંસ્થાના પ્રતિનિધિઓ તથા તેમની ટીમના સભ્યો સાથે હાજર રહ્યા હતા. મતદારોની સુવિધા માટે સમગ્ર દેશમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા ઈ-ઈપીઆઈસી લોંચ કરવામાં આવ્યું હતું. તમામને રાષ્ટ્રીય ફરજરૂપે મતદાર યાદીમાં નામ નોંધાવવા તથા તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન માટે અપીલ કરાઇ હતી. આયોજન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી પ્રજાપતિ તથા સંચાલન ગિરીશ ચૌહાણે કર્યુ હતું.