કોરોનાના આઠ પોઝિટિવ કેસ નોંધાતાં સતત ચોથા દિવસે ઘટાડો અવિરત
ભુજ, તા. 25 : કોરોનાના આજે આઠ પોઝિટિવ કેસ નોંધાતાં સતત ચોથા દિવસે ઘટાડો અવિરત રહ્યો છે. ભુજ શહેર અને તાલુકો મોખરે રહેતો આવ્યો છે પણ સદ્ભાગ્યે આજે એકેય કેસ નોંધાયો નહોતો. શહેરી વિસ્તારમાં ગાંધીધામમાં બે અને અંજારમાં એક સાથે ત્રણ કેસ દેખાયા. ગ્રામ્યમાં અંજાર તા.માં એક અને મુંદરા તા.માં ચાર સાથે આંક પાંચ નોંધાયો છે. સાજા થઇ ઘેર પરત ફરનારા સાત તાલુકાના 13 વ્યક્તિમાં ભુજ તા.ના ચાર, માંડવી તા.ના 3, મુંદરા-નખત્રાણાના બબ્બે જ્યારે અબડાસા અને ગાંધીધામના એક-એક છે. અત્યાર સુધી પોઝિટિવ કેસ કુલ 4403 થયા છે તેમાંથી સ્વસ્થ 4154 થતાં સ્વસ્થ થનારાની ટકાવારી 94 ટકા રહી છે. એક્ટિવ કેસ 130 નોંધાયા છે, તે કુલ કેસના 3 ટકા જેટલા છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંક 81 ઉપર સ્થિર રહ્યો છે. કોવિડ હોસ્પિટલો સરકારીમાં 1042 અને ખાનગીમાં 112 મળી કુલ 1154 પથારી ઉપલબ્ધ હોવાનું જિલ્લાતંત્રની યાદીમાં જણાવાયું હતું.