નાનકડાં નાભોઇ ગામની પાંચ ટકા વસ્તી ફોજમાં !

જિજ્ઞેશ આચાર્ય દ્વારા 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્વ સમગ્ર હિન્દુસ્તાનમાં ત્રિરંગા ધ્વજ લહેરાવા સાથે દેશ માટે કાંઇક કરી છૂટવા માટે યુવાધન સતત તત્પર હોય તેવો માહોલ પણ જોવા મળે છે અને શૂરાતન ચડે તેવાં રાષ્ટ્રગીતોથી સમગ્ર ગગન ગાજી ઊઠશે. ત્યારે આ વચ્ચે આજે વાત કરવી છે માંડવી તાલુકાના માત્ર 100 જણની જનસંખ્યા ધરાવતાં નાભોઇની. જાડેજા કાંયાજી ભાયાત પરિવારના નાભોઇ ગામના 5 જવાનો દેશની રક્ષા માટે અલગ-અલગ સીમા પર દિવસ-રાત ખડેપગે છે. શૂરવીરતા જાણે લોહીમાં જ હોય તેમ ઝારાના યુદ્ધ વખતે પણ આ ગામના શૂરવીર વડીલોના પાળિયા ગામના પાદરમાં આવેલા છે તો ગામના જ અમિતસિંહ આર. જાડેજા 2016થી ઇન્ડિયન આર્મીમાં ફરજ પર છે અને સિયાચીનમાં અંદાજિત 20,000 મીટર ઊંચાઇ પર માઇનસ 30થી 40 ડિગ્રી તાપમાન પર ફરજ બજાવેલી છે. તો બી.એમ. જાડેજા, જિતેન્દ્રસિંહ જે. જાડેજા, બાલુભા એમ. જાડેજા, બી. વી. જાડેજા, એ. આર. જાડેજા જવાનો દેશની રક્ષા માટે સતત સતર્ક છે. સાથે સાથે અન્ય યુવાનોને પણ હંમેશાં દેશ કાર્ય માટે તત્પર રહેવા અપીલ કરે છે. આ જવાનો દેશ પર આવેલી કુદરતી આફત વચ્ચે પણ સતત માનવતાને ધ્યાને રાખી લોકોને સહયોગી બન્યા છે.