ભુજના ધુતારાઓનું રૂા. 14.80 લાખનું નવું કારસ્તાન

ભુજ, તા. 25 : ભુજના ધુતારાઓની ટોળકીએ બનાસકાંઠાના ત્રણ લોભિયાઓને સસ્તા સોનાં અને અસલી જેવી લાગતી બાળકોના રમકડાંની નકલી ચલણી નોટના નામે કુલ મળીને રૂા. 14.80માં નવડાવી દીધાનું નવું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. એકાદ વર્ષ અગાઉ બનેલા આ છેતરપિંડી-ઠગાઈના બનાવ અંગે ભુજના એ -ડિવિઝન પોલીસ મથકે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ ઠગાઈ બાબતે બનાસકાંઠાના દિયોદરમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં સિનિયર ઓફિસર તરીકે નોકરી કરતા અને રવેલ ગામે રહેતા ગાંડાભાઈ ઉર્ફે બાબુભાઈ અણદાભાઈ ચૌધરીએ લખાવેલી ફરિયાદ મુજબ અંદાજે બાર માસ પૂર્વે મારા મિત્ર ગાંડાજી મનાજી ઠાકોર (રહે. મૈડકોલ, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા) સહિતના અન્ય મિત્રો સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા ત્યારે બાડમેરના ચોટન તાલુકાના તારસર ગામના વતની એવા ઈસ્માઈલ ખાન સાથે ભેટો થયો હતો અને તેણે સસ્તા ભાવે સોનું આપવાનું જણાવી ઉમેર્યું કે, તમે રાજસ્થાન ન આવી શકો તો તેનો મિત્ર ઓસમાણ ભુજમાં રહે છે તે પણ તેમને સસ્તું સોનું ભુજથી અપાવી દેશે. ચાર-પાંચ મહિના બાદ ઈસ્માઈલ મૈડકોલ ગામે ગાંડાજીના ઘરે આવ્યો હતો. ફોન પર વાતચીત દરમ્યાન 100 ગ્રામ સોનાનું બિસ્કિટ પાંચ લાખના બદલે ત્રણ લાખમાં આપવાની વાત કરી હતી અને માલ ભુજથી મળશે તેવું પણ જણાવ્યું હતું. એકાદ માસ બાદ ભુજથી ઓસમાણનો પણ ફોન ફરિયાદી પાસે આવ્યો હતો અને સોના ઉપરાંત ખોટી ચલણી નોટો જોઈતી હશે તો પણ મળી જશે. પાંચ લાખ લઈ ભુજ આવી જાવ. આમ સસ્તું સોનું લેવા હું, ગાંડાજી તેમજ અન્ય મિત્ર વિકાસકુમાર જોશી તૈયાર થતાં સપ્ટેમ્બર માસમાં ભુજ પાંચ લાખ રૂપિયા લઈને આવ્યા હતા અને આરોપીઓએ અલગ અલગ રીતે ચકરાવે ચડાવ્યા હતા અને ઓસમાણ પોતે દિલ્હી હોવાનું કહ્યું હતું. પાંચ લાખ પરત આપવા અથવા સોનું આપવાની ખાતરી આપી હતી. થોડા દિવસો બાદ ઓસમાણના માણસનો ફોન આવ્યો હતો. ફરી ભુજ બોલાવ્યા હતા અને કહ્યું કે, હાલ દુબઈથી સોનું આવતું નથી આથી હમણાં પચાસ હજારની નકલી ચલણી નોટો આપું છું. આ ચાલી જાય તો બાકીના રૂપિયા આપીશ. આ નોટો નકલીના બદલે અસલી નીકળી અને ચાલી જતાં ફરી ઓસમાણનો સંપર્ક કરતાં તેણે કહ્યું કે, હજુ દસ-પંદર લાખ રૂપિયાનો બંદોબસ્ત કરો. તમને પંદરના બદલે પિસ્તાળીસ લાખ આપશું. ત્યારબાદ અગિયાર લાખ રૂપિયા લઈ આડેસર આવ્યા હતા અને ક્રેટા ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ રૂપિયાનો થેલો ખેંચી મને ચાલુ ગાડીએ ધક્કો મારી બહાર ફેંકી દઈ નાસી ગયા હતા અને તેમણે ફેંકેલા નકલી નોટના થેલામાં સિત્તેર હજારની અસલી નોટો અને બાકીની છોકરાઓને રમવાની ચિલ્ડ્રનબેંક ઓફ ઈન્ડિયાની રમવાની નોટો હતી. આમ કુલ મળીને રૂા. 14.80 લાખની તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવી આરોપી ઈસ્માઈલ ખાન, ઓસમાણ ઉપરાંત ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer