રસ્તો ભૂલેલી મહિલાને જ્યારે અભયમની ટીમે કરી મદદ

ગાંધીધામ, તા. 2પ : ભુજ તાલુકાના કોટાય ગામનાં જંગલ વિસ્તારમાં ભૂલા પડેલા માનકૂવા ગામના એક મહિલાનો 181 અભયમની ટીમે તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. કોટાય ગામના જંગલ વિસ્તારમાં તથા મેકરણ દાદાના મંદિરે ધૂણા પાસે એક મહિલા રડી રહી હોવાનો એક જાગૃત નાગરિકોનો 181માં ફોન આવ્યો હતો અને અભયમની ટીમના મધુબેન રાઈવા, શાંતાબેન ચૌધરી, ભાવેશભાઈ ખંભુ ત્યાં પહોંચી ગયા હતા તેમણે રડતી એવી આ મહિલાનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં તેમનો પરિવાર માનકૂવામાં રહી રમકડાં, ખુરશી વેંચતો હોવાનું તથા પોતાને માતાના મઢ માતાજીના દર્શન કરવા જવાનું હોવાનું આ મહિલાએ કહ્યું હતું. રાજસ્થાનથી કામ ધંધાર્થે આવેલી આ મહિલાએ પરિવાર સાથે માતાના મઢ જવા નીકળ્યા હોવાનું અને હવે પોતે માનકૂવા જવાનો રસ્તો ભૂલી ગયા હોવાનું જણાવ્યું હતું. 181ની ટીમે માનકૂવામાં રઝળપટ કર્યા બાદ આ મહિલાના પરિવારને શોધી કાઢયો હતો. ત્યારે આ મહિલા ચાર દિવસથી ગુમ થયા હોવાનું અને દીકરીના મોત બાદ તે માનસિક તાણમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. અભયમની ટીમે ગુમ થયેલી આ મહિલાનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer