મેઘપર(બો.)માં તસ્કરો ઉપર શ્વાને હુમલો કરતાં સૌ ભાગ્યા
ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા નવકાર હોમ રેસિડેન્સીમાં એક ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસેલા ત્રણ શખ્સો ઉપર ઘરના શ્વાને હુમલો કરતાં આ તસ્કરો ઉભી પૂંછડીયે નાસી છૂટયા હતા. નવકાર હોમ રેસિડેન્સીમાં મકાન નંબર 120માં રહેતા અને અંજારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા રુચિબેન ઝા અને સૂર્યા કંપનીમાં કામ કરતા તેમના પતિ મોહિતકુમાર ઝા રાત્રે અંજારથી પરત પોતાના ઘરે આવ્યા હતા. આ દંપતીએ પોતાનું ઘર ખોલી અંદર જતી વખતે ચાવી દરવાજામાં જ મૂકી દીધી હતી. બાદમાં તેઓ બંને સૂઈ ગયા હતા ત્યારે રાત્રે સવા બે વાગ્યાની આસપાસ દરવાજો ખેલવાનો અવાજ આવ્યો હતો. પરિણામે આ મહિલા જાગી જતાં અને બહાર જોતાં એક ઈસમ આગળ લોખંડનો સળિયો લઈને ઉભો હતો અને તેની પાછળ બીજા બે શખ્સો ઉભા હતા.આ મહિલાએ રાડા રાડ કરતાં તેમનો કૂતરો જાગી ગયો હતો અને આ શખ્સો ઉપર તૂટી પડતાં આ નિશાચરો ઊભી પૂંછડીયે નાસવા લાગ્યા હતા અને જતાં જતાં આ શખ્સોએ પથ્થરમારો કર્યો હતો જેમાં મહિલા અને તેમના પતિને આ છુટ્ટા પથ્થરો લાગતાં તેમને બંનેને ઈજાઓ પહોંચી હતી. આ બંનેને સારવાર અર્થે ખસેડાયા હતા. ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.