માળિયા રોડના કામમાં ઝડપ લાવવા તાકીદ

માળિયા રોડના કામમાં ઝડપ લાવવા તાકીદ
ભુજ, તા. 13 : સામખિયાળીથી સૂરજબારી - માળિયા મોરબીનો રસ્તો ખરાબ થઇ જતાં તેના રિનોવેશન માટે શરૂ થયેલા કામ અને દરરોજ ટ્રાફિકજામની ઊભી થતી વિટંબણાના નિરાકરણાર્થે સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો કાર્યભાર સંભાળતા અધિકારીઓને બોલાવી સમીક્ષા બેઠક કરી હતી. હાલે રાષ્ટ્રીય ધોરીમાર્ગના રિપેરિંગ અને રિસર્ફેસિંગ મજબૂતીકરણનું કામ સંભાળતા સેફ વે કનેક્શનના ચીફ ઓપરેટિંગ ઓફિસર જયંત દીક્ષિત સાથે રોડ રિપેરિંગ કામે થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ચર્ચા કરતાં સાંસદના સૂચનોને માન્ય કરતાં હાલે બે લાઈનનું કામ ચાલુ હોતાં વધારે ટ્રાફિકજામ થાય છે તેના બદલે હવે એક લાઈનથી કામ ઝડપભેર ચાલુ કરી સૂરજબારીથી માળિયા સુધીનો રસ્તો ફેબ્રુઆરીની 15 તારીખ સુધી અને માળિયાથી સામખિયાળી સુધીનો રોડ માર્ચ અંત સુધી પૂરું કરવાનું જણાવ્યું હતું તેમ શ્રી ચાવડાએ જણાવ્યું હતું. નેશનલ હાઈવે ઓર્થોરિટી ઓફ ઇન્ડિયાનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.પી.એસ. ચૌહાણે પણ ચર્ચામાં ભાગ લેતાં સામખિયાળી-રાધાનપુર સુધીના રોડ ગળપાદર ઓવરબ્રિજ, ટોલ પ્લાઝા પાસે રોડ પહોળો કરવા વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના રિપેરિંગ કામો જલ્દીથી પૂર્ણ કરવાની સાંસદની સૂચનાની નોંધ કરી હતી. સાંસદે પણ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પરિવહન સંગઠનોને અપીલ કરતાં કહ્યું હતું કે, રસ્તા પર કોઈ પણ ટ્રક કે વાહન બ્રેકડાઉન થાય તો તરત જ ક્રેન અને ટોઈંગનો ઉપયોગ કરી રસ્તો ખુલ્લો કરવા મદદરૂપ બંને અને દરેક ટ્રકચાલક જરૂર પડે ઈમરજન્સી કોલ 1033નો ઉપયોગ કરી મદદ મેળવી રસ્તો જામ ન થાય તેની તકેદારી રાખે. પૂર્વ કચ્છ એસ.પી. અને મોરબી જિલ્લાના એસ.પી.ને લેખિત-ટેલિફોનિક અપીલ કરી છે. રોડનું કામ ચાલુ છે ત્યાં સુધી ટ્રાફિક હળવો થાય, તાત્કાલિક રસ્તો ખુલ્લો થાય માટે ટ્રાફિક પોલીસ સતર્ક રહે. રોડ બનાવતી એજન્સીએ ટ્રાફિક પોલીસ માટે મદદ માગી છે અને તેમની સવલતો માટે તૈયાર છે તેવું પણ જણાવ્યું હતું.  નેશનલ હાઇવે ઓફ ઇન્ડિયાની ગાંધીધામથી પાલનપુર સિફ્ટ થયેલી ઓફિસ ફરીથી ગાંધીધામ કાર્યરત થવા અને પલાંસવા-ટીકર-હળવદ રોડ બનાવવામાં આવે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનું ભારણ ઘટે તેમ હોવાનું સાંસદે જણાવતાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની નેશનલ હાઇવે ઓફ ઈન્ડિયાના પ્રોજેકટ ડાયરેકટરે નોંધ લીધી હતી. આડેસર, ગાગોદર, પલાસવા, રાધનપુર, ડીસા તરફનો રોડ પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. તેનું પણ વહેલી તકે રિપારિંગ થાય તેમ સાંસદે જણાવ્યું હતું.  હાલના તબ્બકે સૂરજબારી-માળિયા વચ્ચે 5 ક્રેન કાર્યરત છે અને સિંગલ લાઇનનું કામ પૂરજોશમાં ચાલુ છે. તેમ સેફ વે કનેક્શનના ચીફ ઓપરાટિંગ ઓફિસરે માહિતી આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer