એન્જિનીયર-આર્કિટેકટની હડતાળ પૂર્ણ

ભુજ, તા. 13 : રાજ્ય સરકાર દ્વારા બાંધકામ દરમ્યાન એનેક્ષર-ડી હેઠળ એન્જિનીયર પર નખાયેલી જવાબદારીઓ પરત ખેંચતાં આ મુદ્દે કરાયલી હડતાળ પૂર્ણ જાહેર કરી સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા ઓડીપીએસ 2.0 લોન્ચ કરાયું હતું. જેમાં કરેલી જોગવાઇ મુજબ એનેક્ષર-ડી હેઠળ રેવેન્યુ રેકર્ડ ત્રૂટી આર્થિક નુકસાની તથા ફોજદારી ગુના સહિતની જોગવાઇ કરાઇ હતી. જેનો કચ્છ એસોસિએશન ઓફ સિવિલ એન્જિનીયર્સ એન્ડ આર્કીટેકટ દ્વારા સખત વિરોધ કરાયો હતો અને તેના વિરોધમાં જ્યાં સુધી ઉપરોક્ત જોગવાઇઓ સુધારો ન થાય ત્યાં સુધી કામકાજથી દૂર રહી હડતાળ આરંભાઇ હતી. તેમજ ઉપરોક્ત સુધારો કરવા માટે મુખ્ય મંત્રી, શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ, ચીફ ટાઉન પ્લાનર, કલેકટર-કચ્છ તથા ભાડાના મુખ્ય કારોબારી અધિકારીને એનેક્ષર-ડીની ગેરવ્યાજબી જોગવાઇને દૂર કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતનો સકારાત્મક પડઘો પડતાં કચ્છ એસોસિએશન ઓફ સિવિલ એન્જિનીયર્સ એન્ડ આર્કિટેકટની માંગણીને સ્વીકારીને એન્જિનીયર્સ માથે નખાયેલી વિવિધ જવાબદારીઓ દૂર કરવામાં આવી હતી.આ નિર્ણયને પગલે એસોસિએશનના પ્રમુખ રાજ માણેક દ્વારા સરકારે માંગણી સંતોષતા મુખ્યમંત્રી તેમજ અન્ય અધિકારીઓ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. એસો. મંત્રી ભાવિન શેઠ અન્ય હોદેદારો તથા અન્ય એન્જિનીયર સભ્યો ભાડા ઓફિસ ખાતે એકત્ર થઇ અને સરકારે કરેલા સુધારાને આવકારી હડતાળને પૂર્ણ જાહેર કરી હતી.