બેંકોએ ખોલ્યા સર્વિસ પોઇન્ટ: આવકારદાયી પગલું

બેંકોએ ખોલ્યા સર્વિસ પોઇન્ટ: આવકારદાયી પગલું
જિજ્ઞેશ આચાર્ય દ્વારા-  ગઢશીશા (તા. માંડવી), તા. 13 : કામનું ભારણ ઘટાડવા અને લોકોની હાલાકી દૂર કરવા તથા રોજગારીની તકો ઊભી થાય તેવા આશયથી બેંકો દ્વારા બેન્કિંગ સર્વિસ પોઇન્ટ શરૂ કરાયા છે, જે આવકારદાયક છે. જો કે, આ સુવિધાથી નાના-મોટા ગ્રામ્ય કે શહેરી વિસ્તારના લોકો અજાણ હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2019થી સરકાર દ્વારા બેંકોના ખર્ચ બચાવવા તથા એન.પી.એ.ને અંકુશમાં લાવવા અનેક બેંકો મર્જ કરવામાં આવી અને જેના કારણે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસનું સંક્રમણ હોવા છતાં પણ લોકો  આર્થિક વ્યવહાર માટે લાઇનમાં કલાકો સુધી ઊભા રહે છે, એમાં પણ બેંકો દ્વારા થતી ઘણી બધી મુશ્કેલીનો સામનો ખાતેદારોને કરવો પડી રહ્યો છે. જેમાં ક્યારેક નેટ બંધ તો ક્યારેક પ્રિન્ટર બંધ હોય, ખાતેદારોને લેતી-દેતીના એસ.એમ.એસ. બંધ હોય, બેંકમાં સ્ટાફની ઘટ હોય. આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કચ્છના તમામ તાલુકા મથકો તથા મુખ્ય ગામડાઓમાં ખાતેદારો દ્વારા અસુવિધાની ફરિયાદો ઊઠી રહેલ છે. આ ફરિયાદો વચ્ચે બેંક દ્વારા બી.સી. પોઇન્ટ (બેન્કિંગ સર્વિસ પોઇન્ટ) નામની અલાયદી સુવિધા ઊભી કરાઇ છે. આ સુવિધા અંગે `કચ્છમિત્ર'એ જાણવાનો પ્રયાસ કર્યો તો વિશ્વસનીય સૂત્રોમાંથી એવી માહિતી પ્રાપ્ત થઇ કે હાલમાં બેંકો દ્વારા બી.સી. પોઇન્ટના માધ્યમથી બેંકમાં કામનું ભારણ ઘટાડવા તથા રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુથી બી.સી. પોઇન્ટ સંચાલકને બેંક કર્મચારી જેટલી જ સુવિધા સતત અપાય છે, જેમાં તેઓ બેંકને વિશ્વાસમાં રાખી વિવિધ ખાતાંઓ ખોલવા સાથે નાણાંની લેવડ-દેવડ પણ કરી શકે છે. જો કે રૂા. દસ હજારની મર્યાદામાં જ ખાતેદાર વ્યવહાર કરી શકે છે અને બેંક બી.સી. પોઇન્ટ સંચાલકને નિયત કરેલું કમિશન પણ આપે છે. જેના કારણે બેંકનું ભારણ ઘટી શકે અને રોજગારીની તક ઊભી થાય છે. આ વ્યવસ્થાનો લાભ જાહેર રજાના દિવસે પણ?મળી શકે છે. ખરેખર નાના-મોટા ગામડાઓ કે શહેરોમાં આ વ્યવસ્થાની ખરાઇ કરી અને નાના-મોટા વ્યવહાર ખાતેદાર કરે તો દૂરદૂરના ધક્કા પણ બચે અને બેંકોમાં થતી ભીડ પણ ઓછી થઇ શકે. બેંક દ્વારા બી.સી. પોઇન્ટ પર નાના એ.ટી.એમ. મશીન જેવા પિન પેઇડ મશીન પણ અપાયાં છે જે સુવિધા પણ ઉપયોગી બની શકે છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જે-તે બેંક દ્વારા પોતાના વિસ્તારની માન્ય બી.એસ. પોઇન્ટની યાદી પણ બેંક બહાર લગાવવી જરૂરી છે, જેના કારણે આ સુવિધાથી લોકો અવગત થાય. આવી સુવિધાને ખાતેદારો પ્રોત્સાહન આપે અને બેન્કો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપે તો લાખો ખાતેદારોને ફાયદો થઈ શકે છે. બેન્કો દ્વારા પણ ખાતેદારોની મૂડીની સુરક્ષાની ખાતરી આપવી જરૂરી બન્યું છે, જેથી ખાતેદાર પોતાના નાણા સુરક્ષિતત રાખી અને મેળવી શકે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer