`માલધારી એકતા જિંદાબાદ''ના નારા સાથે બન્ની માલધારી ગૌરવ યાત્રાનું સમાપન

હાજીપીર (તા. ભુજ), તા. 13 : બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ત્રિદિવસીય માલધારી ગૌરવ યાત્રાનું આયોજન થયું હતું, જે બન્નીના 49 ગામમાં ફરી વળી હતી. હોડકોની બન્ની માલધારી સંગઠનની કચેરી ખાતે આ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં `માલધારી એકતા જિંદાબાદ'ના નારા ગૂંજી ઉઠયા હતા. સ્વાગત પ્રવચનમાં માલધારી સંગઠનના મુસા રાયશીએ જણાવ્યું હતું કે, બન્ની ઘાસિયા પ્રદેશ તરીકે જાણીતો છે. બન્નીની ભેંસને રાષ્ટ્રીય માન્યતા મળી તે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કહી શકાય. આ માટે વડાપ્રધાને પણ તાજેતરમાં બન્ની ભેંસની પ્રશંસા કરી હતી. એટલે 2026ને આંતરરાષ્ટ્રીય માલધારી અને ચરિયાણ ભૂમિના વર્ષ તરીકે જાહેર કરે તેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે યુરો કમિટીના સભ્ય તામિલનાડુના વિવેકાનંદ મધુરાઇએ કહ્યું કે, ભારતના નવ રાજ્યને સમર્થન આપવા માટે ભારત દેશની શરૂઆત બન્ની વિસ્તારમાંથી કરવામાં આવી છે. આ પ્રસંગે સહજીવનના પંકજ જોષી, એગ્રોસેલના રૂષિ પટેલ, વિકાસભાઇ, કાસમ નોડે, અમીર ફેઝલ, કલાધર મુતવા, કમરૂધીન હાજી અભુ તથા બન્ની વિલેજ શ્રેષ્ઠ એવોર્ડ માટે સલામ હાલેપોત્રાને બન્નીનું ગૌરવ એવા સરાડાના જત મજીદ હાજી સાંઉનું સન્માન કરાયું હતું. સંચાલન મુતવા ઇશાભાઈએ કર્યું હતું.