દુકાળના કાળચક્રનું દસ્તાવેજીકરણ બખૂબી

દુકાળના કાળચક્રનું દસ્તાવેજીકરણ બખૂબી
ભુજ, તા. 13 : ગુણવત્તાસભર સાહિત્ય થકી જ કચ્છી ભાષાને સન્માનજનક સ્થાન મળી શકશે. પદ્ય સાહિત્યનો ઇતિહાસ ઘણો જૂનો છે પણ કચ્છી ગદ્ય સાહિત્યનો લાંબો ઇતિહાસ નથી, તેના વિકાસ વિના કચ્છી ભાષા અને સાહિત્યના વિકાસની સંકલ્પના અધૂરી છે તેવું કચ્છના દુષ્કાળના પરિવેશને વણી લેતી કચ્છી સાહિત્યકાર વિશ્રામ ગઢવીની કચ્છી નવલકથા `રતજા રૂંગા' અને લેખક ડો. રમેશ ભટ્ટ `રશ્મિ' લિખિત વાર્તાસંગ્રહ `મલાખડો'ના વિમોચન પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું. કચ્છી સાહિત્ય ગ્રુપ-મુંબઇની ચોથી રેયાણ ભુલાણી ફાર્મ દેવપર ખાતે યોજાઇ હતી. આ બંને કચ્છી પુસ્તકનું વિમોચન કાર્યક્રમના કન્વીનર વિજ્ઞેશ ભેદાએ કર્યું હતું. કચ્છી નવલકથા `રતજા રૂંગા'નો રસાસ્વાદ કવિ રવિ પેથાણી `િતમિર'એ કરતાં તેમણે કચ્છના દુષ્કાળના એક કાળચક્રનું દસ્તાવેજીકરણ બખૂબ થયું હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. કચ્છી ભાષાની શ્રેષ્ઠ નવલકથા ગણાવી હતી. `મલાખડો' વાર્તાસંગ્રહનો રસાસ્વાદ કરતાં કવિ હરેશ દરજી `કસબી'એ વિવિધ પાસાઓની છણાવટ?કરી હતી. બંને સર્જકનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રકાશક સંસ્થા વી.આર.ટી.આઇ.ના ગોરધન પટેલે કચ્છની ઓળખ એવી કચ્છી ભાષાની વિકાસયાત્રામાં નવું ગુણવત્તાસભર સર્જન ઉમેરાયાનો સંતોષ?વ્યક્ત કરતાં કચ્છી સાહિત્યને પ્રોત્સાહક માહોલ ઊભો કરવા આહ્વાન કર્યું હતું. ઉપસ્થિત પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ'એ વાર્તા-નવલકથાના અવતરણને કચ્છી સાહિત્યની સુખદ ઘટના ગણાવતાં નવા નવા સર્જકોને આગળ આવવા અપીલ કરી હતી. સર્જકે પ્રતિભાવમાં નવલકથા લેખક વિશ્રામ ગઢવી (લાયજા)એ આ સર્જન તત્કાલીન દુષ્કાળપીડિત કચ્છીઓને અર્પણ કરતાં મા બોલી પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. વાર્તાસંગ્રહ લેખક રમેશ ભટ્ટે પોતાના ધર્મપત્ની સ્વ. ડો. મંજુલા ભટ્ટ `યાચના'ને આ સર્જન અર્પણ કર્યું હતું. કચ્છી સાહિત્ય ગ્રુપ-મુંબઇ દ્વારા વોટસએપના માધ્યમથી કચ્છી ભાષાના સંવર્ધન-વિકાસ માટે પ્રયાસો થઇ રહ્યા છે. પુસ્તક વિમોચન પહેલાં કાર્યક્રમ સહકન્વીનર મનીષા વીરા `મન'ના આગામી કાવ્યસંગ્રહ `મનમેડો'ની કેટલીક કૃતિઓનું આચમન શ્રી `કસબી'એ કરાવ્યું હતું. સાહિત્યિક મેળાવડાના યજમાન કમલા લીલાધર ગોસરે મહેમાનોને આવકાર આપતાં તમામ સર્જકો-કાર્યક્રમ આયોજકોનું સન્માન કર્યું હતું. ક.સા. ગ્રુપ મુંબઇના કોકિલા ગડા `કોકી', રમણીક મામણિયા, વસંત મારૂ, અમૃતબા જાડેજા, તારાચંદ છેડા `એકલ'?વગેરે નવોદિત સર્જકોએ સ્વરચનાઓ રજૂ કરી ભાવકોની દાદ મેળવી હતી. સાથે સાથે ગીત-સંગીતની મહેફિલ યોજાઇ હતી. કવિ ડો. વિશન નાગડા અને કાંતિલાલ કુંવરજી સાવલા `કાંત', સહકન્વીનર કેતન છેડા, ધર્મિષ્ઠા દેઢિયા સહયોગી રહ્યા હતા. સંચાલન કાર્યક્રમ કન્વીનર વિજ્ઞેશ ભેદાએ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer