ઘાયલ પક્ષીઓને ખુલ્લા હાથે ઉપાડવા નહીં

ભુજ, તા. 13 : ઉત્તરાયણની મોજ વચ્ચે પક્ષીઓ ઘાયલ થાય તો તેમને સીધા ખુલ્લા હાથથી ન ઉપાડવા અને પશુ દવાખાના કે વનતંત્રના પક્ષી બચાવ અને સારવાર કેન્દ્રને જાણ કરી સોંપવા એવો નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કરે જાહેર અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે,બર્ડ ફ્લુના ખતરાને નજર સમક્ષ રાખી સાવચેતી દાખવી જીવદયા માટે હાથ લંબાવવો. એકબાજુ કોરોનાનો કહેર તો બીજીબાજુ બર્ડ ફ્લુથી થતા પક્ષીઓનાં મોતથી હાહાકાર મચ્યો છે. આજે અબડાસાના મોથાળા ગામે પણ બે કબૂતરના શંકાસ્પદ બર્ડ ફ્લુથી મોત થયા હોવાના હેવાલમળ્યા છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે મોથાળા ગામે આવેલા રામ મંદિરના મેદાનમાં અચાનક બે કબૂતર મૃત્યુ પામેલા જોવા મળ્યા હતા.દર્શનાર્થે ગયેલા લોકોનું ધ્યાન જતાં ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી. બર્ડ ફ્લુના કારણે આ બે કબૂતર મોતને ભેટયા હોવાની શંકા સેવાઇ હતી. આ બાબતે ગ્રામજનોએ પશુપાલન વિભાગને પણ જાણ કરી હતી.