કોરોના વાયરસની રસી કોવિશિલ્ડની શોધમાં કચ્છી મહિલા વૈજ્ઞાનિકનો ફાળો

કનૈયાલાલ જોશી તરફથી- મુંબઇ, તા. 13 : 16મી જાન્યુઆરીએ દેશમાં કોરોના વાયરસની વેક્સિન આપવાનું અભિયાન શરૂ?થવાનું છે. આ માટે પૂનાની સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયામાં કોવિશિલ્ડ વેક્સિન બની છે. આ વેક્સિનની પ્રોડક્ટમાં એક કચ્છી મહિલા સંશોધક પ્રિયા મૈશરીએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આપણા દેશમાં બે દવાની કંપનીઓને વેક્સિનની મંજૂરી અપાઇ?છે, જેમાં એક છે પૂનાની સિરમ ઇન્સ્ટિટયૂટ. આ કંપનીની કોરોના વેક્સિન કોવિશિલ્ડ શોધનારી વૈજ્ઞાનિકોની ટીમમાં રાયપુર (છત્તીસગઢ)માં રહેતા કચ્છી દશા ઓસવાળ પ્રવીણ મૈશરીની પુત્રી પ્રિયા મૈશરીનો સમાવેશ?થાય છે, જે પીએચ.ડી. (ફાર્મા) અને એમ. ફાર્મસીની ડિગ્રી ધરાવે છે. પ્રિયા મૈશરીએ જણાવ્યું કે, એક સફળ વેક્સિન બનાવવામાં 10થી 12 વર્ષ લાગી જાય છે, જે અકસીર નીવડશે કે કેમ તે માટે વિવિધ માપદંડ પર ખરાઇ કરવી પડે છે. કોવિશિલ્ડની ફોર્મ્યુલા નિષ્ણાતો દ્વારા તૈયાર કરાઇ?છે, જેનું ઉત્પાદન પૂનાની સિરમ ઇન્સ્ટિટયૂટે કર્યું છે. સતત છ મહિના સુધી ડ્રાય રન થઇ, જે સફળ?થયા બાદ હવે તે ઇલાજ માટે ઉપલબ્ધ થશે. રસી આપનારી ટીમ પણ સફળ રીતે ટ્રેનિંગ લઇને એક્સપર્ટ હોવી જોઇએ, કારણ કે તેમના દ્વારા થનારી ભૂલ મોટી સમસ્યા સર્જી શકે છે. માટે સમગ્ર દેશમાં ડ્રાય રનનો તબક્કો ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ 16મી જાન્યુઆરીથી દેશભરમાં રસી આપવાનું અભિયાન હાથ ધરી શકાશે. પ્રિયા મૈશરી સિરમ ઇન્સ્ટિટયૂટમાં ક્લિનિકલ રિસર્ચર છે. તેઓ કચ્છમાં નાની સિંધોડીના વતની છે અને મુંબઇ ખાતે ફરજ બજાવે છે. પૂનાથી દેશના 13 શહેર માટે રસીના ડોઝ નવ ફ્લાઇટ દ્વારા રવાના કરાયા છે જેમાં મુંબઇ?અને અમદાવાદનો સમાવેશ થાય છે.