સંત સંધ્યાગિરિની નિર્વાણતિથિ નિમિત્તે 15મીથી કોટેશ્વરથી સોમનાથની પદયાત્રા

ગાંધીધામ, તા. 13 : બ્રહ્મલીન સંત સંધ્યાગિરિની 25મી નિર્વાણતિથિની પૂર્વસ્મૃતિમાં તા. 15ના શુક્રવારે કચ્છની રણકાંધી (સરહદ)નું સમુદ્ર કાંઠે રખોપું કરતા તીર્થધામ નારાયણ સરોવર-કોટેશ્વર મહાદેવથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સુધીની પદયાત્રા બ્રહ્મચારી સંત ભગવતગિરિજી મારાજ (શિષ્ય સંધ્યાગિરિ) સંસ્કૃત વેદ વિદ્યાલય સામખિયાળીવાળા પ્રારંભ કરશે. સમગ્ર 800 કિ.મી. જેટલા અંદાજિત માર્ગ જે હાઇવેથી ઓછું પડે પરંતુ રસ્તામાં 100 મીટરની અંદર આવતાં શિવાલયો ત્યાં દરેક જગ્યાએ રુદ્રાભિષેક સાથે ત્યાં વિરામ અને સાંજે સંકીર્તન રામનામ અને શિવ મહાપુરાણની કથા યોજાશે.લગભગ 40થી 45 દિવસની આ પદયાત્રાના પ્રારંભથી અંત સુધી તમામ વ્યવસ્થા તેમના શિષ્ય બ્રહ્મચારી પ્રકાશઆનંદજી મારાજ કરી રહ્યા છે. તા. 14/1ના સંક્રાંતિના દિવસે નારાયણ સરોવરમાં સ્નાન બાદ ત્રિકમરાયજીની પૂજા-અર્ચના અને બ્રહ્મ ચોર્યાસી યોજાશે. તા. 15/1 સવારે કોટેશ્વર મહાદેવના રુદ્રાભિષેક બાદ પદયાત્રા પ્રારંભ કરાશે. જે ફરતા ફરતા અંજારના વીડી નજીક પૂ. સંધ્યાગિરિજી બાપુ સમાધિ થઇ જોગણીનાર થઇ અને ત્યાંથી આગળ યાત્રા વધશે.માતાના મઢમાં આશાપુરાના સાંનિધ્યમાં નવચંડી હોમાત્મક ચંડીપાઠ યોજાશે. એ જ પ્રકારે રસ્તામાં જ્યાં જ્યાં પૌરાણિક શિવાલયો આવશે ત્યાં વિશેષ પૂજા-રુદ્રાભિષેક કરાશે. આ યાત્રા જૂનાગઢ પહોંચ્યા બાદ ત્યાં ભવનાથ મહાદેવમાં ખાસ પૂજા અને કાર્યક્રમો યોજાશે.