ફોન નંબરની નવી ડાયલિંગ પદ્ધતિનો કચ્છમાં આરંભ

ભુજ, તા. 13 : દેશભરમાં મોબાઇલ ફોનની સતત વધી રહેલી માંગ સામે ભારત સંચાર નિગમ સહિત તમામ ખાનગી મોબાઇલ કંપનીઓએ મોબાઇલ નંબરોની સંખ્યા વધારવા કરેલી માંગ સામે હવે?ટ્રાઇએ આપેલી સૂચનાને પગલે હવે નવી ડાયલિંગ પદ્ધતિનો કચ્છમાં પણ આરંભ થઇ ચૂક્યો છે. એક અંદાજ પ્રમાણે દેશભરમાં  60 કરોડથી વધુ મોબાઇલ વપરાશકર્તા છે અને દિવસ ઊગે છે ને માંગ આવતી જાય છે. અત્યારે એકસરખા 10 આંકડાવાળા મોબાઇલ નંબર દરેક કંપનીઓ પાસે છે અને નંબરોની સિરીઝ પણ હવે ખૂટવા આવી છે. મોબાઇલ નંબરની સિરીઝ ઓછી પડતી હોવાથી 11 આંકડા કરવાની માંગ દરેક કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી. જો અગિયાર આંકડા કરવામાં આવે તો  દરેક મોબાઇલ નંબર પણ બદલી શકે છે. અગિયાર આંકડા કરવા ફરજિયાત હોવાથી  ટ્રાઇના નવા આદેશ પ્રમાણે 1લી જાન્યુઆરીથી હવે લેન્ડલાઇન પરથી કોઇપણ મોબાઇલ નંબર ડાયલ કરવા માટે ઝીરો લગાવવો  પડે છે.ઝીરો લગાડવાની અમલવારી કચ્છમાં પણ?શરૂ?થઇ ચૂકી છે. કચ્છમાં મોટા ભાગે બીએસએનએલના લેન્ડલાઇન ફોન છે. એક સમયે એટલે કે બે દાયકા પહેલાં કચ્છમાં લેન્ડલાઇન ફોનના જોડાણ 1 લાખથી વધુ હતા. પરંતુ ધરતીકંપ પછી દેશની સાથે કચ્છમાં પણ?મોબાઇલ ફોન ક્ષેત્રે આવેલી ક્રાંતિને પગલે મોબાઇલ જોડાણ વધતા ગયા ને લેન્ડલાઇન ઘટતા ગયા. `ડબલા' ફોન તરીકે કચ્છમાં ઉલ્લેખ થાય છે. એ ડબલા ઘટીને હવે 18340 થઇ ગયા છે. જેને ખુદ સંચાર નિગમના જનરલ મેનેજર સંજીવ સિંધવીએ પણ સમર્થન આપ્યું હતું. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે,  હા હવેથી લેન્ડલાઇન ફોન પરથી બીએસએનએલ હોય કે અન્ય કોઇપણ કંપનીના મોબાઇલ નંબરથી પહેલાં ઝીરો લગાવવો ફરજિયાત છે. ઝીરો લગાડવાથી ફોનનું બિલ વધુ આવશે એ સવાલ કરવામાં આવતાં જનરલ મેનેજરે કહ્યું કે, ના આનાથી બિલિંગ પદ્ધતિમાં કોઇ?ફેર પડશે નહીં જે સ્કીમમાં ફોન હશે તે જ રહેશે, કોઇ ફોનનું ઝીરો લગાડવાના કારણે બિલ વધશે નહીં. અત્યારે 18340 લેન્ડલાઇન ફોન જોડાણ છે. 10 હજાર એફટીટીએસ લેન્ડલાઇન છે. જે બ્રોડબેન્ડથી જોડાયેલા છે એમ તેમણે જણાવ્યું હતું. માત્ર લેન્ડલાઇનમાં જ ઝીરો શા માટે એ પ્રશ્ન સામે તેમણે કહ્યું કે, મોબાઇલથી મોબાઇલ ફોન લગાડવામાં આમેય પ્લસ 91ની ડાયલિંગ પદ્ધતિ અમલમાં છે તેથી મોબાઇલમાં કોઇ ફેર પડશે નહીં. ટ્રાઇની સૂચનાને પગલે અત્યારે  માત્ર લેન્ડલાઇન ફોનથી મોબાઇલ જોડવા નંબરોથી આગળ ઝીરો લગાડવાથી આપોઆપ 11 આંકડા થઇ જાય છે તેથી હવે નંબર સિરીઝમાં આવું કરવાથી એક સાથે 25 કરોડ નવા નંબર દેશમાં વધી શકે છે તેવી ધારણા વ્યકત કરવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer