કચ્છ ટી.ટી. એસો.ની રમત પ્રવૃત્તિઓ વેગીલી બનાવાશે
આદિપુર, તા. 13 : કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસીએશન (કેડીટીટીએ)ના પ્રમુખપદે વિપુલ મિત્રા આગામી ચાર વર્ષની ટર્મ માટે ફરીથી ચૂંટાઇ આવ્યા છે. તેમજ સેક્રેટરી તરીકે હરેશ સંગતાણીની પણ ફરીથી વરણી કરવામાં આવી છે. આ ટર્મ 2021થી 2024 સુધીની રહેશે. કેડીટીટીએની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) કેડીટીટીએ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, આદિપુર ખાતે યોજાઇ હતી. પ્રારંભે કેડીટીટીએના ખજાનચી રાજુભાઇ મોટવાણીના નિધન બદલ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.કેડીટીટીએના સિનિ. ઉપપ્રમુખ તરીકે નરેશ બુલાચંદાની તેમજ ઉપપ્રમુખ તરીકે મહેશ ગુપ્તા, વિમલ ગુજરાલ અને તુલસી સુઝાન, સહમંત્રી તરીકે સુનીલ મેનન તેમજ મનીષ હિંગોરાનીને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ખજાનચીના પદ માટે સ્થાપક સભ્ય હરિ પિલ્લઇની સર્વાનુમતે વરણી કરાઇ હતી. ડી. કે. અગ્રવાલ અને ભીખુભાઇ અગ્રવાલની કારોબારી સભ્યો તરીકે વરણી કરવામાં આવી હતી.વર્ષ દરમ્યાન કેડીટીટીએના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ઠ પ્રદર્શનને બધા સભ્યોએ બિરદાવ્યા હતા. આદિપુર-કચ્છના ખેલાડી ઇશાન હિંગોરાનીએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કરેલા પ્રદર્શનની વિશેષ નોંધ લેવામાં આવી હતી.દરમહિને ટેબલ ટેનિસ, ટેનિસ, શટલ બેડમિન્ટન અને સ્કેટિંગ માટેની ઇન્ટ્રા ક્લબ ટૂર્નામેન્ટ્સ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના મહામારીને કારણે બંધ રહેલા સ્વિમિંગ પુલને ખોલવાની સરકાર દ્વારા પરવાનગી મળી જતાં માર્ચ/એપ્રિલથી કેડીટીટીએ ખાતેના સ્વિમિંગ પુલને ચાલુ કરવાનું નક્કી કરાયું હતું.