માંડવી બીચ પર વસૂલાતો પાર્કિંગ ચાર્જ ગેરકાયદે હોવાનો આક્ષેપ
ભુજ, તા. 13 : માંડવી બીચની જગ્યા ગુજરાત વિન્ડ ફાર્મ?લિમિટેડ કંપનીએ સરકારને વિજળી ઉત્પાદન કરવા માટે ફાળવી હતી ત્યારે અહીં છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ ફીની વસૂલાત ગેરકાયદે હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસ કરવા કલેકટર તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ શહેર - જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર બીચ પર વાહન પાર્કિંગ બનાવી જે ફી વસૂલાય છે તેની અપાતી પહોંચમાં સહી કે સંપર્ક નંબર આપવામાં આવ્યા નથી ત્યારે વસૂલાતી આ ફી અધિકૃત છે કે બિનઅધિકૃત તેની તલસ્પર્શી તપાસ કરાવવા માટે રજૂઆત કરી કાયદેસરના પગલાં ભરવા માંગણી મૂકી છે.સફાઈમાં વ્યાપક અસુવિધા હોવાની સાથે શૌચાલયના નામે પણ રૂપિયા પડાવાતા હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.