ભુજ સંયુકત પૂછતાછ કેન્દ્રના પાકિસ્તાની બંદીએ બીમારીના લીધે દમ તોડયો
ભુજ, તા. 13 : અહીંના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે રખાયેલા પાકિસ્તાનના હૈદરાબાદના મૂળ વતની એવા બંદી ઇમરાન કામરાન (ઉ.વ.38)નું બીમારી થકી મૃત્યુ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ લખપત તાલુકા સ્થિત સરહદેથી ઘૂસણખોરી બદલ પકડાયેલા આ બંદી સામે દયાપર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ દરમ્યાન તેને અત્રે જે.આઇ.સી. ખાતે રખાયો હતો. આ વચ્ચે પગમાં સોજો થવા સાથે તેની તબિયત બગડતાં તેને અત્રેની જનરલ હોસ્પિટલે ખસેડાયો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. બનાવના પગલે તપાસનીશ બી. ડિવિઝન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. પાકિસ્તાની બંદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલાયો હતો.