કબરાઉમાં આધેડની ખુન્નસપૂર્વક હત્યા

ગાંધીધામ, તા. 13 : ભચાઉ તાલુકાના કબરાઉ ગામના ક્રિષ્ના નગર વિસ્તારમાં દુકાન પાસે ઊભેલા ગામના ધનજી માંડણ રાવરિયા (પટેલ) (ઉ.વ.49)નામના આધેડ ઉપર ખુન્નસપૂર્વક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમની હત્યા નીપજાવી ગામનો એક શખ્સ નાસી ગયો હતો. પૂર્વ કચ્છમાં નવા વર્ષના આ પ્રથમ મહિનામાં હત્યાના બીજા બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. કબરાઉ ગામના ક્રિષ્ના નગરમાં રહેતા અને ખેડૂત એવા ધનજી રાવરિયા નામના આધેડની આજે સવારે હત્યા કરવામાં આવી હતી. પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ આધેડ અને તેમના પત્ની અહીં એકલા રહે છે જયારે તેમના બે દીકરા કામ ધંધાર્થે મુંબઈ ખાતે રહે છે. આ આધેડ આજે સવારે પોતાના વિસ્તારમાં આવેલી કુલદીપ રણછોડ સાધુની કરિયાણાની દુકાને આવ્યા હતા. અહીં આ આધેડ ઊભા હતા ત્યારે જૂના કબરાઉ ગામમાં રહેનારો અને આ બનાવનો આરોપી એવો સામજી રણછોડ ફટક(પટેલ) ત્યાં આવ્યો હતો અને પોતે લઈ આવેલા તીક્ષ્ણ હથિયાર વડે આ આધેડ ઉપર તૂટી પડયો હતો. તેણે ખુન્નસપૂર્વક ધનજી પટેલના માથાં, ગળાં, છાતી, પેટમાં હથિયારના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા હતા. આ આધેડે બચવાની કોશિશમાં દુકાનમાં જવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તેઓઁ ત્યાં જ ઢળી પડયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. હત્યાના આ બનાવને અંજામ આપી આરોપી ત્યાંથી નાસી છુટયો હતો. આ આરોપી ધનજી પટેલ પાસેથી રૂપિયા માગતો હતો જેની અવેજીમાં આ આધેડે અગાઉ તેને એક જમીન અને પૈસા પણ આપી દીધા હતા. જે બનાવને પણ ત્રણથી ચાર વર્ષ થઈ ગયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ હત્યા પછવાડે જમીન કે પૈસાની લેતી દેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ કહ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પી.આઈ. એસ.એન. કરંગિયાએ જણાવ્યું હતું. પૂર્વ કચ્છમાં હત્યાના વધુ એક બનાવના કારણે ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer