લાંચમાં પકડાયેલા ફોજદાર સહિતના ત્રણેય આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે
ભુજ, તા. 13 : પંદર હજાર રૂપિયાની લાંચ લેવા સબંધી કેસમાં પકડાયેલા અત્રેના બી. ડિવિઝન પોલીસ મથકના ફોજદાર એન.એસ.ગોહિલ અને તેમના રાઇટર કોન્સ્ટેબલ સાગર મગનભાઇ દેસાઇ (રે.લુણી) અને ગૃહરક્ષક દળના જવાન ભુજના અનિશ શાંતિલાલ ગાયકવાડની આજે વિધિવત ધરપકડ કોરોના પરીક્ષણ બાદ કરાઇ હતી. આ ત્રણેયને આવતીકાલે અદાલત સમક્ષ રજૂ કરાશે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના સાધનો પાસેથી મળેલી માહિતી અનુસાર ગઇકાલે સાંજે લાંચ લેવાના આરોપસર પકડાયેલા આ ત્રણેય આરોપીના કોરોના ટેસ્ટ કરાવાયા હતા. જેનો અહેવાલ નેગેટિવ આવ્યા બાદ આજે તેમની વિધિવત ધરપકડ કરાઇ હતી. પાટણ એ.સી.બી. દ્વારા આ છટકાની કાર્યવાહી બાદ ગુનો ભુજ બ્યુરોમાં નોંધાયો હતો અને આ કેસની છાનબીન ભુજ એ.સી.બી.ના ઇન્સ્પેકટર એમ.જે. ચૌધરીને સોંપવામાં આવી છે. મારામારી અને બળજબરીથી રૂપિયા કઢાવવાના અને ધાકધમકી સાથે સોગંદનામા સાથેના લખાણો કરાવી લેવા સબંધી કેસના આરોપી સામેના ચેપ્ટર કેસ અને તપાસમાં વધુ હેરાનગતિ ન કરવા માટે તહોમતદારો દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપી ફોજદાર નરેન્દ્રાસિંહ સુરૂભા ગોહિલ માટે તેમના રાઇટર સાગર દેસાઇ અને હોમગાર્ડ અનિશ ગાયકવાડે કેસના ફરિયાદી સાથે વોટસએપ કોલ કર્યાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે. પાટણ જિલ્લા એ.સી.બી.ના ઇન્સ્પેકટર જે.પી.સોલંકીની રાહબરી તળેની ટુકડીએ આ છટકું પાર પાડયા બાદ ત્રણેય આરોપી સામે વિધિવત ગુનો દાખલ કરાવ્યો હતો. કોરોના ટેસ્ટ બાદ આજે ધરપકડ પછી હવે તેમને આવતીકાલે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે તેવું સાધનોએ ઉમેર્યું હતું.