આદિપુરમાં 11.85 લાખની કાર કોઈ શખ્સ લઈ ગયો
ગાંધીધામ, તા. 13 : આદિપુરના પોશ ગણાતા વોર્ડ 3 -એ વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરાયેલી રૂા. 11.85 લાખની કાર કોઈ શખ્સ ચોરી કરી આ કાર લઈને નાસી ગયો હતો. આદિપુરના વોર્ડ 3-એ વિસ્તારમાં પ્લોટ નંબર 117માં રહેતા અને મીઠીરોહરમાં કંપની ચલાવતા હર્ષદ ડાયાભાઈ સુથારે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ગઈકાલે ગાંધીધામ આવ્યો હતો અને રાત્રે 10 વાગે પોતાના ઘરે પહોંચ્યો હતો. તેમની કાળા રંગની કાર સ્કોર્પિયો નંબર જીજે-12-ડીજી-8011વાળી પોતાના ઘરની બહાર પાર્ક કરી રાખી હતી. સવારે આ કાર ક્યાંય નજરે ચડી નહોતી. સામે રહેતા પાડોશીના ઘરમાં લગાવેલા સી.સી.ટી.વી કેમેરાની તપાસ કરાતાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ એક શખ્સ અહીં આવે છે અને ફરિયાદીની કારનું લોક ગમે તે રીતે ખોલી તેની ચોરી કરીને નાસી જતો કેમેરામાં નજરે ચડ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી છે.